વડોદરા જિલ્લામાં દેશી ગુલાબને બદલે કાશ્મીરી ગુલાબની ખેતી પ્રચલિત બની રહી છે
વડોદરા: વસંત ઋતુ પુર બહારમાં ખીલી હોય ત્યારે સ્વાભાવિક જ રંગોના મેઘધનુષ અને સુગંધોના ભંડારની યાદ અપાવે એવા અપરંપાર વિવિધતા ધરાવતા ફૂલોની યાદ આવ્યા વગરના રહે. વડોદરા જિલ્લામાં બાગાયતી ખેતીનો વ્યાપ વધી રહ્યો છે જેમાં ફૂલોની ખેતી અથવા ફ્લોરિકલચરનો સમાવેશ થાય છે. ફૂલોની ખેતી આમ તો છૂટીછવાઈ જિલ્લાના તમામ તાલુકામાં થાય છે પરંતુ એ મુખ્યત્વે કેન્દ્રિત થઈ છે કરજણ, વડોદરા અને પાદરા તાલુકાઓમાં. ફૂલોની ખેતી એ રોકડીયો પાક છે જે પૂરક આવક આપે છે અને બાગાયત ખાતું આ ખેતીને પ્રોત્સાહિત કરે છે.
આજે મુખ્યત્વે ગુલાબની ખેતીની વાત કરવી છે. જિલ્લાના બાગાયત વિભાગના અધિકારી યોગેશ પટેલ જણાવે છે કે, એક સમયે જિલ્લામાં ખાસ કરીને કરજણ તાલુકામાં દેશી ગુલાબની ખેતી થતી હતી જેનું સ્થાન હવે વધુ આકર્ષક અને ટકાઉ કાશ્મીરી ગુલાબની ખેતી લઈ રહી છે. હાલમાં જિલ્લામાં ૫૦૦ થી ૬૦૦ વિધા જમીનમાં કાશ્મીરી ગુલાબની ખેતી થઈ રહી હોવાનું બાગાયત ખાતાનું અનુમાન છે.
યોગેશભાઈના જણાવ્યા પ્રમાણે કરજણ તાલુકાના મુખ્યત્વે રણાપુર, કોઠિયા, દેરોલી અને નર્મદા કાંઠે આવેલા શાયર, નાની કોરલ, મોટી કોરલ જેવા ગામોમાં કાશ્મીરી ગુલાબનો વાવેતર વિસ્તાર છે. વડોદરા તાલુકાના બિલ જેવા ગામોમાં એની ખેતી શરૂ થઈ છે.
ફૂલોની બાગાયતની વાત કરીએ તો જિલ્લામાં દેશી અને કાશ્મીરી ગુલાબ ઉપરાંત મોગરો, સેવંતી, ગલગોટા અને પારસના ફૂલોની ખેતી થાય છે જેનો વિસ્તાર ૮૦૦ થી ૯૦૦ વિઘા હોવાનું અનુમાન છે. ઓછા પ્રમાણમાં લીલી અને રજનીગંધાની પણ ખેતી થાય છે. જિલ્લાના પાદરા તાલુકામાં ગલગોટા અને સેવંતીની ખેતી અંદાજે ૧૫૦ વિઘામાં થાય છે. જ્યારે પાદરા અને વડોદરા તાલુકાઓમાં મોગરો અને પારસ ઉગાડવામાં આવે છે.
દેશી અને કાશ્મીરી ગુલાબ સહિત અન્ય ફૂલો વેચાણ માટે મોટેભાગે વડોદરાના ફૂલ બજારમાં લાવવામાં આવે છે. નર્મદા કાંઠાના જે ગામો થી ભરૂચ જિલ્લો નજીક છે, એ ગામો ભરૂચની બજારોમાં ફૂલો મોકલે છ.અને આ બજારોમાંથી ફૂલો છેક સૌરાષ્ટ્રના શહેરો, સુરત અને મુંબઇના બજારોમાં મોકલવામાં આવે છે. આમ,વડોદરાની ધરતીની સુવાસ પુષ્પોના માધ્યમથી મુંબઈને પણ મઘમઘાવે છે.
ખાસ વાત એ છે કે, કાશ્મીરી ગુલાબ વધુ ખડતલ એટલે કે ટકાઉ હોવાથી દેશીની સરખામણીમાં બજારોમાં માંગ વધી રહી છે. જો કે એ ફક્ત રાતા રંગના જ હોય છે.
દેશી ગુલાબ બહુધા રાત્રે ચૂંટવામાં આવે છે જેને સવારે બજારમાં પહોંચાડવા અનિવાર્ય છે.એની પાંખડીઓ ઝડપથી ખરી જાય છે. કાશ્મીરી ગુલાબ દડા જેવા હોય છે અને ત્રણ થી ચાર દિવસનું ટકાઉપણુ ધરાવે છે. એ ગુચ્છામાં ઊગે છે.એની સુગંધ જો કે દેશી કરતા ઓછી હોય છે પણ ઘેરો રાતો રંગ એને વધુ આકર્ષક બનાવે છે.
ખુશી અને આનંદના પ્રસંગોએ મોટાભાગે વિદેશી, દાંડી વાળા મોંઘા ગુલાબની ખૂબ માંગ રહે છે. કાશ્મીરી ગુલાબ એનો વિકલ્પ બની શકે છે. એને જો દાંડી સાથે ચૂંટી લેવામાં આવે તો કટ રોઝનો વિકલ્પ બની શકે અને એ રીતે એની માંગ વધી શકે એવું એક મંતવ્ય છે.
બાગાયત ખાતુ ફૂલોની ખેતીને પ્રોત્સાહિત કરવા વાવેતર વિસ્તારમાં સહાય આપે છે. પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂતોને હેકટર દીઠ રૂ.૧૬,૦૦૦ ની અને મોટા ખેડૂતોને હેકટર દીઠ રૂ.૧૦,૦૦૦ હજારની સહાય આપવામાં આવે છે. તેની વિગતવાર જાણકારી બાગાયત ખાતા પાસેથી મેળવીને આઇ ખેડૂત પોર્ટલના માધ્યમથી લાભ લઈ શકાય છે.