વડોદરા જિલ્લામાં પ્રવાસન અને યાત્રાધામ તરીકે વિકસાવવા ૮.૭૪ કરોડના ખર્ચે ત્રણ પ્રોજેક્ટ કરાયા મંજૂર
ગઢભવાની માતાજીના મંદિર પાસેના તળાવ, શિનોરના વ્યાસબેટ, અને રણુના તુળજા માતાજીના પાસેના માન સરોવરનો કરાયો સમાવેશ યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સૌંદર્યીંકરણ અને માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે
વડોદરા: આશરે ૮૦૦ વર્ષ પુરાણુ ઐતિહાસિક મહત્વ ધરાવતુ ડભોઈ ખાતે આવેલ ગઢભવાની માતાજીના મંદિર પાસે આવેલ તળાવને પ્રવાસન અને યાત્રાધામ તરીકે રૂા. ૩.૨૪ કરોડના ખર્ચે વિકસાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત શિનોર ખાતેના વ્યાસબેટને પ્રવાસન સ્થળ તરીકે રૂા. ૩.૫૦ કરોડના ખર્ચે અને પાદરાના રણુ ગામે આવેલ તુળજા માતાજીના મંદિર પાસેના માન સરોવરને રૂા. ૦૨ કરોડના ખર્ચે યાત્રાધામ તરીકે વિકસાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સંબંધિત ધારાસભ્યશ્રીઓએ તેના માટે ભલામણ કરી હતી.
ગઢભવાની માતાજીના મંદિર પાસેના તળાવને રૂા. ૩.૨૪ કરોડના ખર્ચે ડીવોટરીંગ કરી સાફ કરવાનું, તળાવની મધ્યમાં ફુવારા, સાઈડ પર વોક-વે, ગઝીબો, આરસીસી રોડ, પાણીની આવક જાવક માટે પાઈપ કલ્વટ બનાવવાની કામગીરી તથા શૌચાલય બનાવવાની કામગીરી કરવામાં આવશે. શિનોર-વ્યાસબેટ ખાતે મંદિરની આજુ-બાજુ પ્રોટેક્ટીવ દિવાલ, ફૂડ ઝોન, ટોયલેટ, બાથ-રૂમ, બોરવેલ, ગાર્ડનીંગ, આરસીસી રોડ યજ્ઞશાળા તથા પાર્કિંગની સહિતની સુવિધા વિકસાવવામાં આવશે.
પાદરા તાલુકના રણુ ગામે આવેલ તુળજા ભવાની માતાજીના મંદિરને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માન સરોવર ફરતે પ્રદક્ષિણા માટે રિટેનીંગ વોલ, સરોવર બ્યુટીફીકેશન, એલીવેટેડ વોટર ટેંક, યાત્રાળુઓ માટે યાત્રીક ભવન, લેન્ડ સ્ક્રેપીંગ, ગાર્ડનીંગ, પ્રસાધન વ્યવસ્થા, પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે.
કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે ડો. બાબા સાહેબના આંબેડકરના સંકલ્પભૂમિ સ્મારક માટે વધારાની જમીન ફાળવવી માટે મામલતદારશ્રી-તાલુકા વિકાસ અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીની કક્ષાએથી તજવીજ કરવા નિર્દેશ આપ્યા હતા. તેમજ વડોદરા જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે આવેલી દરખાસ્તો અંગે જરૂરી અહેવાલ મેળવી આગામી વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં સમાવેશ કરવામાં આવશે.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વ શ્રી શૈલેશભાઈ મહેતા, અક્ષય પટેલ, જસવંતસિંહ પઢિયાર, જિલ્લા આયોજન અધિકારી શ્રી રાવલ, જિલ્લા પ્રવાસન અધિકારીશ્રી, જિલ્લા વન અધિકારીશ્રી, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગના અધિકારી અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે.