વડોદરા જિલ્લામાં રેતી તથા ક્વાર્ટઝાઇટના ૪ બ્લોકસ ફાળવવામાં આવતા સરકારને રૂ.૬૦.૨૯ કરોડની આવક
પીએમકેકેકેવાય યોજના હેઠળ ખનીજ પ્રવૃત્તિને કારણે પ્રભાવિત વિસ્તારમાં વિકાસ કામોનું આયોજન
વડોદરા વડોદરા જિલ્લામાં મુખ્યત્વે બ્લેકટ્રેપ, સાદી રેતી, ગ્રેવલ, ક્વાર્ટઝાઇટ, હાર્ડ મોરમ, સાદી માટી, ઇંટ અને માટી જેવા ખનીજો મળી આવે છે. ઇ-હરાજીથી ફાળવવામાં આવેલ સાદી રેતી ખનીજના ૩૨ તથા ક્વાર્ટઝાઇટ ખનીજના ૪ બ્લોકસને કારણે સરકારશ્રીને રોયલ્ટી પેટે રૂ.૬૦.૨૯ કરોડની આવક થાય તેમ છે તથા તે ઉપરાંત પ્રીમિયમ પેટે રૂ.૭.૧૭ કરોડની આવક થાય તેમ છે.
ગૌણ ખનીજોની ઇ-હરાજીની પધ્ધતિ વડે ફાળવણી કરતાં દરેક સ્ટેકહોલ્ડરને પ્રતિસ્પર્ધાની સમાન તક મળી રહેશે. રાજય સરકાર દ્વારા પારદર્શક રીતે ગૌણ ખનીજોની ઇ-હરાજી કરી રોયલ્ટીની આવક ઉપરાંત પ્રીમિયમની આવક મેળવવામાં આવે છે.
ઇ-હરાજીથી ફાળવેલ બ્લોક્સની થયેલ આવકમાંથી સરકારની પીએમકેકેકેવાય યોજના હેઠળ ખનીજ પ્રવૃત્તિને કારણે પ્રભાવિત વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા, પર્યાવરણ સંરક્ષણ તથા પ્રદૂષણ નિયંત્રણના કામો, સ્વાસ્થ્ય સુવિધા, શિક્ષણ સુવિધા, મહિલા, બાળકો, વૃધ્ધ અને અપંગ લોકોના કલ્યાણ, સ્કીલ ડેવલપમેન્ટ, ભૌતિક આંતરમાળખાકીય સુવિધા, સિંચાઇ, ઉર્જા અને વોટરશેડ સંબંધિત કામો, રસ્તા સહિત વિકાસના કામો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ વડોદરા જિલ્લા ખાણ ખનીજ કચેરીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.