વડોદરા જિલ્લામાં વેગ પકડતું રસીકરણ અભિયાન
વડોદરા જિલ્લામાં અત્યાર સુધી ત્રણ લાખ નાગરિકોએ મુકાવી કોરોના રસી
વડોદરા, વિશ્વવ્યાપી કોવીડ – ૧૯ મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન વડોદરા જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ રસીકરણને વેગવાન બનાવવા ચાર દિવસીય ટીકા મહોત્સવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૪૫ થી વધુ ઉંમરના નાગરિકોને કોરોના રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ રસીકરણ ઝુંબેશ હેઠળ વડોદરા જિલ્લામાં અત્યાર સુધી હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, ૪૫ થી ૫૯ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કુલ ૩,૦૧,૮૮૮ નાગરિકોએ રસી લઇ કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.
વડોદરા જિલ્લામાં આજે ૪૭૪૩ નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હોવાનું કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું છે.
વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં રસીકરણ કેન્દ્રો ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેમ જણાવતા કલેકટરશ્રીએ ઉમેર્યું કે આ વ્યવસ્થાઓનો ૬૦ + ઉંમરના વડીલો અને ૪૫ થી વધુ ઉંમરના નાગરિકો રસીકરણનો લાભ લઇ રહ્યા છે.તેમને ઉમેર્યું કે વડોદરા જિલ્લામાં અત્યાર સુધી ૪૫ થી વધુ ઉંમરના ૧,૨૫,૪૨૦ જ્યારે ૬૦ વર્ષ ઉપરના ૧,૩૦,૨૭૩ સહિત કુલ ૩,૦૧,૮૮૮ નાગરિકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
તેમને જણાવ્યું કે વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૨૨૪૬ આરોગ્ય કોરોના વોરિયર, ૨૩૯૪૯ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર, ૪૫ થી ૫૯ વર્ષના ૧,૨૫,૪૨૦ નાગરિકો અને ૬૦ થી વધુ ઉંમરના ૧,૩૦,૨૭૩ નાગરિકોને કોરોના રસી મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૨,૫૯,૩૧૭ નાગરિકોને કોરોના રસીનો પ્રથમ તેમજ ૪૨૫૭૧ નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
રસી લેનારાઓને પાળવાની તકેદારીની સમજણ આપવાની સાથે તાવ કે શરીરના દુખાવા જેવી નાની મોટી આડ અસર વર્તાય તો સેવન કરવા યોગ્ય જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે.અત્યાર સુધી આડઅસર ની લગભગ કોઈ ઘટના નોંધાઈ નથી.