વડોદરા જિલ્લા SOG PI નાં પત્ની મહિનાથી ગુમ થયા
વડોદરા: જિલ્લા એસઓજી પીઆઇ એ.એ. દેસાઈનાં પત્ની કરજણમાંથી રહસ્યમય સંજાેગોમાં એક મહિના પહેલાથી ગુમ થઇ ગયા છે. ૩૭ વર્ષનાં સ્વિટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં આવેલા તેમના ઘરેથી જ ગુમ થયા છે. આ અંગે સ્વિટીબેનનાં ભાઇની ફરિયાદ બાદ જાણવાજાેગ નોંધીને શોધખોળ શરૂ કરી છે. સ્વિટીબેન અને તેમના પીઆઈ પતિ દેસાઈને બે વર્ષનું બાળક પણ છે. તે પોતાનો મોબાઇલ ફોન પણ ઘરે જ મૂકીને ગુમ થઇ ગયા છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાંનાં જયદીપ મહેન્દ્રભાઇ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં જાણવાજાેગ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મારી બહેન સ્વીટી કરજણ નવાબજાર વિસ્તારમાં ભક્તિનગર ત્રણ રસ્તા પાસે પ્રયોશા સોસાયટીમાં રહે છે. તેઓ તા.૬ જૂનના રોજ રાત્રે એક વાગ્યાથી સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં પોતાનો ફોન અને બે વર્ષના પુત્ર અંશને મૂકીને કોઇને કહ્યા વગર જતા રહ્યા છે. સ્વિટીબેનના ભાઇ જયદીપ મહેન્દ્રભાઇ પટેલે ૧૧ જૂને કરજણ પોલીસમાં જાણ કરતાં જાણવા જાેગ નોંધીને શોધખોળ શરૂ કરાઈ હતી.
કરજણ પોલીસ દ્વારા ગુમ થયાની અરજી બાદ આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. જાેકે, હજી સુધી તેમનો કોઇ પત્તો મળ્યો નથી. જેથી આખરે ડીએસપીએ એસઓજીના પીઆઇ અલ્પેશ દેસાઇના પત્ની સ્વીટી ગુમ થવાની તપાસ ડભોઇ ડીવીઝનના ડીવાયએસપીને સોંપવામાં આવી છે. સ્વીટીબેન પોતાનો ફોન ઘેર મૂકીને ગયા હોવાથી તેમને શોધવા માટે પણ પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ બાબતે પોલીસે તેમના ફોટા સાથેનાં પેમ્ફલેટ પણ છપાવ્યાં છે.
આધારભૂત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, પીઆઇ અને સ્વિટીબેને પ્રેમલગ્ન કર્યાં હતાં. પીઆઇ એ.એ. દેસાઇ અગાઉ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ત્યારબાદ તેમની નિમણૂક જિલ્લા એસઓજી શાખામાં કરાઈ હતી.