વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી
વડોદરા શહેરમાં વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ બચાવ-રાહત કામગીરીની મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી: મુખ્યમંત્રી
વડોદરા : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ હળવી બનતા જનજીવન પૂર્વવત થઇ રહયું છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે સંકટની આ ઘડીમાં રાજય સરકાર વડોદરા વાસીઓની પડખે ઊભી રહી છે. એટલું જ નહીં રાજય સરકાર દ્વારા પુન: સ્થાપન કામગીરી માટે જરૂરી તમામ સહાય કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વડોદરાની વરસાદી સ્થિતિનો તાગ મેળવવા રાજકોટથી સીધા જ હવાઇ માર્ગે વડોદરા પહોચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વડોદરા કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વડોદરા શહેરમાં જળ પ્રકોપને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ બચાવ-રાહત કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં આગામી બે દિવસમાં નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી સોમવારથી કેશડોલ્સ ચૂકવવાની કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ જે ઘરોમાં નુકસાન થયું છે તેનો સર્વે કરી ઘરવખરી સહાય પણ ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે શહેરમાં ૨૦ થી વધુ વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. આ પાણીના નિકાલ માટે એકસોથી વધુ ડી-વોટરીંગ પંપ દ્વારા બે દિવસમાં પાણીનો નિકાલ કરાશે.
એમ.જી.વી.સી.એલ.દ્વારા શનિવાર સાંજ સુધીમાં બાકી તમામ વિસ્તારોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં સોમવારથી શાળા-કોલેજો પુન: શરૂ કરવામાં આવશે.
ભારે વરસાદથી શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે મહાનગરપાલિકા અને આરોગ્ય તંત્રની ૯૮ જેટલી સંયુકત ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. એટલું જ નહી શહેરના રસ્તાઓની સાફ સફાઇ માટે આજથી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ભારે વરસાદને કારણે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારોને રૂા.ચાર લાખની સહાય ચૂકવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે વડોદરામાં ઊભી થયેલી પરિસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા સહિત જિલ્લા પ્રશાસનની સતર્કતાને કારણે મોટી જાનહાનિ થતી અટકી છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે શહેરમાં પુન:સ્થાપનની કામગીરીને વેગવાન બનાવવા ઉપયોગી સુચનો કર્યા હતા.
આ બેઠકમાં નર્મદા વિકાસ રાજયમંત્રીશ્રી યોગેશભાઇ પટેલ, મેયરશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહયા હતા.