વડોદરા દુષ્કર્મ : બંને નરાધમો ઝડપાયા
અમદાવાદ: વડોદરા નવલખી ગ્રાઉન્ડમાં ૧૪ વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનાર બંને નરાધમોને આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ દિવસે ઝડપી પાડ્યા છે. બંને આરોપી દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે, જેથી હવે તેમના અત્યંત ઘૃણાસ્પદ કૃત્યને લઇ લોકોમાં દેવીપૂજક સમાજ પરત્વે ભારોભારો આક્રોશ પ્રવર્તી રહ્યો છે. બંને આરોપીઓ પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રીજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની ૩૦થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનીકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપીઓ મૂળ જસદણ અને આણંદના હોવાનું બહાર આવ્યું છે.
રાજકોટ જિલ્લાના જસદણનો જશો વનરાજ સોલંકી (ઉ.વ.૨૧) આણંદના તારાપુરના કિશન કાળુભાઇ માથાસુરીયા(ઉ.વ.૨૮) ફુગ્ગા વેચવાનું કામ કરતા હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. અમદાવાદ ક્રાઈમની ટીમ શનિવારે બપોરે બે દેવીપુજકને પૂછપરછ માટે લઈ ગઈ હતી. તપાસમાં એક દુષ્કર્મી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે તેનો સાગરિત બીજો હોવાની કેફિયત કરતા પોલીસ મોડી રાત્રે અઢી વાગે વડોદરા આવી તરસાલીમાંથી તેને ઉપાડી ગયા હતાં. બંનેએ સગીરા પર ગેંગરેપ કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે એકની પાસેથી સગીરાના મિત્રના મોપેડની ચાવી કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં બંને રીક્ષામાં લાલબાગ પાસે આવી ત્યાંથી નવલખીમાં લૂંટના ઈરાદે ગયા હતાં.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશ્યલ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, તા.૨૮ નવેમ્બરના રોજ સગીરા મિત્ર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠા હતી. ત્યારે બે શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. વડોદરાના સામુહિક દુષ્કર્મંના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાઇ હતી. હ્યુમન ઈન્ટેલિજન્સ સીસીટીવી અને ટેકનીકલ ઈન્ટેલીજન્સની મદદથી પોલીસે બે આરોપીઓને વડોદરાના તરસાલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. જેના માટે પોલીસ રાત દિવસ કામે લાગી હતી. આ બંને આરોપીઓને આજે વડોદરા શહેર પોલીસને સોંપવામાં આવશે.
બંનેની પૂછપરછમાં પીડિતાએ ફરિયાદમાં જણાવેલી વિગતોને સમર્થન મળે છે અને બંનેની ગુનામાં સંડોવણી હોવાના પુરાવા પણ મળ્યા છે. વધુમાં અજય તોમરે ઉમેર્યું હતું કે, આ બંને આરોપીઓ અગાઉ મારામારી, ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની વિગતો પણ સામે આવી છે. પૂછપરછમાં બીજા ગુનાઓની હકીકત જાણવા મળે તેવી શક્યતા છે. નવલખીની આસપાસના વિસ્તારમાં તે સમયે જે લોકો હતાં. તેની આસપાસ જે લોકો રહેતા હતા. તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં કડી મળતા બંને પકડાયા હતા. બંને આરોપીઓ ફુગ્ગા વેચવાની કામગીરી કરતા હતા. આ ઉપરાંત અલગ-અલગ મજૂરી કામ પણ કરતા હતા. આરોપીઓને એવુ લાગતુ હતુ, એમને નહીં ઓળખી શકાય, પરંતુ ગુનેગાર પુરાવા છોડીને જ જાય છે અને પોલીસ તેના માટે મહેનત કરે છે.