વડોદરા નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે આવતા ૨ મિત્રોના મોત
વડોદરા, વડોદરા શહેર નજીક આવેલા રણોલી ગામની સિદ્ધાર્થભાઇની ચાલીમાં રહેતા મુકુંદ દિનેશભાઈ શાહ(ઉ.૨૫) અને આબીદ ઠાકુર(ઉ.૩૨) મૂળ બિહારના શિવાન જિલ્લાના મહમદપુરા ગામના વતની છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી રણોલી ગામમાં રહે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુકુંદ શાહ ક્રેઇન ઓપરેટર હતો. જ્યારે આબિદ સલૂન ચલાવતો હતો. આબીદ પરિણીત છે અને તેને ચાર સંતાનો છે. મુકુંદ અને આબિદનો મિત્ર મોડી રાત્રે વતન જવા માટે નીકળ્યો હતો.
દરમિયાન આબીદને વતન જઇ રહેલા મિત્રનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું કે, મારુ સ્વેટર ઘરે રહી ગયું છે, તે સ્વેટર આપી જવા વિનંતી કરી હતી. આથી આબીદ મિત્ર મુકુંદને લઈને દુમાડ ચોકડી પાસે ઉભેલા મિત્રને બાઇક ઉપર સ્વેટર આપવા ગયા હતા.
સ્વેટર આપીને પરત ફરતી વખતે અજાણ્યા વાહને તેઓની બાઇકને ટક્કર મારીને અડફેટમાં લીધા હતા. જેમાં બન્નેના સ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
આ બનાવમાં બાઇક ચાલક મુકુંદ શાહ પર અજાણ્યા વાહનના ટાયર ફરી વળ્યાં હતા. જ્યારે આબીદ રોડ પર પટકાતા તેનું પણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સમા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.HS