વડોદરા: પાદરાની કંપનીમાં ભીષણ વિસ્ફોટ, આઠનાં મોત
વડોદરા, વડોદરાના ગવાસદની એઈમ્સ કમ્પનીમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. જેમાંથી 4 મૃતદેહોને પાદરાના વડુંમાં રખાયા છે જ્યારે 2 મૃતદેહોને પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. મોતનો આંકડો હજુ વધે તેવી ભીતિ છે. આ કંપનીના ગોડાઉનમાં નાઈટ્રોજન અને ઓક્સિજનના બાટલા હતાં. જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ગેસ સિલિન્ડર લિકેજ હોવાના કારણે આગ લાગતા વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લોકોના શરીરના ચીથરા ઉડી ગયા હતાં.
ઘટનાની જાણ થતા જ પાદરાના ધારાસભ્ય જસપાલ પઢિયાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પઢિયારે કહ્યું કે આ ઘટનામાં ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી અધિકારીની બેદરકારી સામે આવી છે. કંપનીમાં સેફ્ટીના કોઈ સાધન નથી. કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોંધાવી જોઈએ. ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી અધિકારી સામે પણ ફરિયાદ દાખલ થવી જોઈએ. મૃતકોના પરિવારને વળતર મળવું જોઈએ. આ બાજુ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય કમલેશ પરમાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. કમલેશ પરમારે કહ્યું કે સેફ્ટીના સાધનો કંપનીમાં ન હોવાની વાતને સમર્થન આપ્યું. વડોદરા ફાયર અધિકારી નિકુંજ આઝાદે મોટું નિવેદન આપતા કહ્યું કે કંપનીમાં કોઈ પણ ફાયર સેફ્ટીના સાધનો નથી. કંપની પાસે ફાયર એનઓસી પણ નથી. હજી પણ હાઈડ્રોજન ગેસ સિલેન્ડર અંદર લીકેજ છે. કંપનીના સંચાલકોની આ ઘોર બેદરકારી છે.