Western Times News

Gujarati News

વડોદરા પાસે પિતા-પુત્રને ટ્રકે કચડી નાખતાં મોતઃ પિતાનું માથું છુંદાયું

વડોદરા, વડોદરા શહેર નજીક નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઇકસવાર પિતા-પુત્રનાં સ્થળ પર કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. ટ્રકના ટાયર ફરી વળતાં 16 વર્ષના પુત્રના કમરથી બંને પગ કપાઇ ગયા હતા અને પિતાનું માથું છુંદાઈ ગયું હતું.

પિતા-પુત્ર બંને વાસદ તરફ જઇ રહ્યા હતા. રાયકા ગામના રહેવાસી પિતા-પુત્રનાં એકસાથે અકસ્માતમાં મોત થતાં ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. અરેરાટીભર્યા આ બનાવ અંગે પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ગ્રામ્યના રાયકા ગામમાં રગડી તળાવ પાસે રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે લાલો રમણભાઇ સિંધા (ઉં.35) અને તેમના પુત્ર અરુણ (ઉં.16) સાથે બાઇક પર પોતાના ગામથી વાસદ જવા માટે નીકળ્યા હતા.

દરમિયાન નંદેશરી-ફાજલપુર રોડ પર નવા બનતા બ્રિજ પાસે પિતા-પુત્ર સવાર બાઇકને પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે અડફેટે લેતાં તેઓ રોડ પર ફંગોળાઇ ગયા હતા. એમાં 16 વર્ષના અરુણના કમરથી નીચેના ભાગે ટ્રકનાં તોતિંગ વ્હીલ ફરી વળતાં કમરથી નીચેનો ભાગ છૂટો પડી ગયો હતો.

બુધવારે બપોરના સમયે બનેલા આ બનાવની જાણ પરિવારને થતાં તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને થતાં સ્થળ પર આવી પહોંચી હતી. નંદેશરી પોલીસને જાણ થતાં પીએસઆઇ પી.આર. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને પિતા-પુત્રના મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

નંદેશરી-ફાજલપુર રોડ પર ટ્રક સાથે થયેલા અકસ્માતમાં રાયકા ગામના પિતા-પુત્રનાં એકસાથે મોત થતાં ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. પરિવારજનોના હૈયાફાટ રુદને ગામમાં સન્નાટો પાથરી દીધો હતો.

આ બનાવને પગલે હાઇવે પરના વાહનવ્યવહારને પણ અસર પડી હતી. આ બનાવ બનતાં ટ્રકચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્થળ પર પડેલી ટ્રક કબજે કરી હતી. એ સાથે નંદેશરી પોલીસે મૃતક નરેન્દ્રભાઇ ઉર્ફે લાલો સિંધાના પિતા રમણભાઇ ભીખાભાઇ સિંધાની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.