વડોદરા-મુંબઈ એક્સપ્રેસની કામગીરી દરમ્યાન અકસ્માત
અંકલેશ્વરના સક્કરપોર ગામ નજીક ક્રેઈનના ડ્રાઈવરે સંતુલન ગુમાવતા પ્લેટ કામદારને વાગતા મોત.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વર તાલુકાના સક્કરપોર ગામ પાસે એકસપ્રેસ હાઈવેના બ્રિજની કામગીરી પુરજોશ માં ચાલી રહી હતી.આ દરમ્યાન અચાનક લોખંડની પ્લેટ વાગવાના કારણે કામદારનું મોત થયું છે.વિશાળકાય ક્રેઈનના ડ્રાઈવરે સંતુલન ગુમાવી દેતાં અકસ્માત બન્યો હોવાની વિગતો બહાર આવી છે.
વડોદરા અને મુંબઈ વચ્ચે નવનિર્માણ પામી રહેલાં એકસપ્રેસ હાઈવેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.થોડા દિવસો પહેલાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગણી સાથે કામગીરી અટકાવવતાં વિવાદ થયો હતો.આ વિવાદનો કોઈ ઉકેલ આવે તે પહેલાં એકસપ્રેસ હાઈવેની કામગીરી ફરી એક વખત વિવાદના વમળમાં આવી છે.અંકલેશ્વર તાલુકાના સકકરપોર ગામ નજીક બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
બ્રિજ પર મોટી પ્લેટને ચઢાવવા માટે વિશાળ ક્રેઈનની મદદ લેવામાં આવી હતી.પ્લેટ બ્રિજ પર ચઢાવતી વેળા અચાનક ક્રેઈન અસંતુલિત બની હતી. ક્રેઈન સાથે રહેલી પ્લેટ એક કામદારને વાગી જતાં તેનું મોત નીપજયું હતું.ઘટના બાદ ત્યાં કામ કરી રહેલાં અન્ય કામદારોમાં પણ ભય ફેલાય ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.