વડોદરા: વિદ્યાર્થીને કેનેડા મોકલવાના નામે દંપતીએ ૩.૫૮ લાખની છેતરપિંડી આચરી
વડોદરા,વડોદરામાં રેસકોર્સ પાસેના સિક્યોર વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલકોએ વિદ્યાર્થીને કેનેડા મોકલવાના બહાને રૂપિયા ૩.૫૮ લાખની છેતરપીંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે ગોરવા પોલીસે મહિલા સહિત બે સંચાલકો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મંગલ જ્યોત સોસાયટીમાં રહેતો કરણ અમીન ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેને કેનેડા જવાની ઇચ્છા હોય રેસકોર્સ ખાતે કે.પી.પ્લેટીના બિલ્ડિંગમાં આવેલ સિક્યોર વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલક ચંદન પરસોત્તમ સત્યા (રહે- એસ.કે કોલોની, વારસીયા) અને નેહાબેન દિનેશભાઈ શાહ ( રહે – ડ્રીમ આત્મન ફ્લેટ, વડસર રોડ) નો સંપર્ક સાધ્યો હતો. જ્યાં કરાર બાદ રૂપિયા ૨.૬૦ લાખનો ચેક આપ્યો હતો.
ત્યારબાદ ફાઈલ બાબતે તપાસ કરતા પ્રોગ્રેસમાં હોવાનો જવાબ મળતો હતો. વહેલી કામગીરી માટે પી.આર. ફી પેટે વધુ રૂપિયા ૩.૯૪ લાખ ચૂકવ્યા હતા.આમ, અલગ અલગ કારણોસર ૧૦.૨૦ લાખ ઉપરાંતની રકમ ભરાવી હતી. થોડા સમય બાદ ફાઈલ રિફ્યુઝ થઈ છે તેવું જણાવ્યું હતું. રૂપિયા ૬.૬૨ લાખનું રિફંડ પાછું આપી રૂપિયા ૩.૫૮ લાખ આજદિન સુધી પરત આપ્યા નથી.
એજન્સી ઉપર શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સંચાલકોએ બ્રિટિશ કોલંબિયાની કંપનીમાં તમામ ડોક્યુમેન્ટ ડીટેલ ખોટી સબમીટ કરી હતી. મારી પાસેથી ફી પેટે નાણાં પડાવી એગ્રીમેન્ટ બનાવી ફાઈલ રિફ્યુઝ કરી છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.hs3kp