વડોદરા સામૂહિક આપઘાત કેસમાં મૃત્યુઆંક ૪ પર પહોંચ્યો
વડોદરા: વડોદરામાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં મૃત્યુઆંક ૪ પર પહોંચ્યો છે. મૃતક નરેન્દ્ર સોનીના પત્ની દીપ્તિ સોનીનું બે દિવસની સારવાર બાદ આજે મોત નિપજ્યું છે. ઝેર પીધાની ઘટના બાદ દિપ્તી સોનીની હાલત અતિ ગંભીર હતી. પરંતુ આજે તેઓ જીવન સામેની જંગ હારી ગયા છે.
વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે બે દિવસ પહેલા સામૂહિક આત્મહત્યા કરી હતી. પરિવારના મોભી નરેન્દ્ર સોનીએ આખા પરિવારને કોલ્ડ ડ્રીંકમાં ઝેર ભેળવીને પીવડાવ્યું હતું. જેમાં નરેન્દ્ર સોની, તેમની દીકરી તથા પૌત્રનું મોત નિપજ્યું હતું. પુત્ર ભાવિન સોની, પુત્રવધુ ઉર્વી અને નરેન્દ્ર સોનીના પત્ની દિપ્તી સોનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ભાવિન સોનીની તબિયત સારી હતી, પરંતુ બંને સાસુ-વહુની હાલત ગંભીર હતી. જેમાં આજે દિપ્તી સોનીનું પણ મોત નિપજ્યું છે. દીપ્તિ સોની ઘટના બાદથી વેન્ટિલેટર પર હતા. આમ, સામૂહિક આપઘાતના મોતનો આંકડો ૪ થયો છે.
સોની પરિવારનો આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. પરિવાર વિખેરાયા બાદ આજે ભાવિન સોનીને અફસોસ થઈ રહ્યો છે. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલ ભાવિને લોકોને જ્યોતિષીઓના ચક્કરમાં ન ફસાવાની સલાહ આપી છે. ભાવિને કહ્યું કે, અમારી સાથે જે થયું એ સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈપણ વ્યક્તિ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડે. મારા પિતાએ જયોતિષીના ચક્કરમાં ૩૨ લાખ ગુમાવ્યા હતા.