વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓએ જેલ ઉદ્યોગોના ઉત્પાદનોના વેચાણ દ્વારા ઉજવી નવરાત્રી
વડોદરા : રાજ્ય સરકારે રાજ્યની જેલોને સજા ભોગવવાની સાથે સુધાર ગૃહો બનાવવાનો કેદી કલ્યાણનો અભિગમ અપનાવ્યો છે. પ્રિઝનર રીફરમેસન અને રી હેબિલિ ટેશનના સરકારના ઉમદા હેતુથી રાજ્યની તમામ જેલમાં વસવાટ કરતા કેદીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ યુનિટ ચલાવવામાં આવે છે. તે અંતર્ગત તાજેતરમાં પુરી થયેલી નવરાત્રીમાં ઓલ્ડ પાદરા રોડ પર માં વરદાયિની વડોદરા ગરબા મોહત્સવમાં વડોદરાના ઇતિહાસમાં સતત બીજા વર્ષે વડોદરા મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા સંપૂર્ણપણે સંચાલિત ફૂડ સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યો હતો. નવરાત્રી પર્વના ૧૦ દિવસ દરમિયાન આ સ્ટોલ થકી જે આવક થઇ તેને કેદીઓના વેલ્ફેરમાં ઉપયોગમાં લેવામા આવશે.
આ ફૂડ સ્ટોલમાં બેકરીની ૨૭ જેટલી આઇટમો, ચા, ભજીયા અને ફરસાણ જ નહીં પણ કેદીઓએ તૈયાર કરેલી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ અને કપડાં ધોવાનો સાબુ પાઉડર પણ મુકવામાં આવ્યા હતા. જે પૈકી નવરાત્રી પર્વ ના ૯ દિવસ દરમિયાન ચા અને ભજીયા તેમજ વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરી ૮ કેદીઓએ રૂ.૩૬,૧૦૦ની કમાણી કરી છે.
આ સ્ટોલમાં પાકા કામના કેદીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મુકેશ રયજીભાઈ બારીયા, વિનુભાઈ રૂપસીંગભાઇ સંગાડા, વિક્રમભાઈ ઉદભાઈ પટેલીયા, મુકેશભાઈ બચુભાઈ સંગાડા, લક્ષ્મણભાઇ પ્રભુભાઈ તડવી, જીતેન્દ્રભઇ મનહરભાઈ દેવજીભાઈ, મહેન્દ્રભાઈ ચંદ્રસિંહ પટેલ અને નરેશભાઈ દેવજીભાઈ ગોહિલનો સમાવેશ થયો હતો.
તેમજ જેલ પોલીસ અધિક્ષક બી.સી. વાઘેલા, નાયબ અધીક્ષક વી.આર. પટેલ, સિનિયર જેલર ગ્રુપ-૧ એમ એન રાઠવા, સિનિયર જેલર બી.બી. ઝાલા ઈત્યાદીએ આ કેદીઓને જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. તથા આરતીમાં ભાગ લીધો હતો.
નાયબ અધીક્ષક વી. આર. પટેલે કહ્યું કે, કેદીઓને સમાજ જીવનમાં ભળવાની સરળતા રહે એ માટે પ્રવૃત્તિ સાથે જોડી કેદીઓને બહાર મોકલવામાં આવે છે. તેના લીધે લોકોને મળવા અને સંવાદ કરવાંની તક મળે છે. જેલમાં પાકાકામના કેદીઓનું સારું વર્તન હોય છે. તેને બહાર મોકલવામાં આવતા હોય છે. જેથી તે મહેનતાણું મેળવી શકે છે. અને જેલમુક્તિ બાદ સ્વતંત્ર ધંધો કરી શકે.
સિનિયર જેલર એમ એન રાઠવાએ કહ્યું કે, પ્રિઝનર રીફરમેસન અને રી હેબિલિ ટેશનના સરકારના ઉમદા હેતુથી જેલમાં વસવાટ કરતા કેદીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ યુનિટમાં કરવામાં આવતી કામગીરી અને પ્રોડક્ટનુ એક્સિબિશન તેમજ વેચાણ હેઠળ માં વરદાયિની વડોદરા ગરબા મહોત્સવમાં સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં ગરબા રસિકોએ ગરમ ગરમ ચા અને આરોગ્યપ્રદ ભજીયાંનો લાભ લીધો હતો. ગરબામાં આયોજકોએ કેદી કલ્યાણના આ કામમાં પ્રોત્સાહક સહયોગ આપીને અમારો ઉત્સાહ વધાર્યો છે.
પાકાકામના કેદી લક્ષ્મણભાઇ પ્રભુભાઈ તડવીએ જણાવ્યું હતું કે, જેલમાં સજા ભોગવતા હોય એવા કેદી નવરાત્રીનો પવિત્ર તહેવાર લોકો વચ્ચે ઉજવવાની કદાચ કલ્પના પણ ના કરી શકે. રાજ્ય સરકારના જેલ વિભાગના માનવતાભર્યા અભિગમથી આ શક્ય બને છે.