વડોદરા સેન્દ્રલ બસ સ્ટેશનને કાયદાની ગાઇડ લાઇન પ્રમાણે ધૂમ્રપાન અને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવ્યુ
તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ વર્તમાન વર્ષમાં ૧૦૪૭ વ્યક્તિઓ પાસેથી રૂ.૪૯૪૫૦ દંડની વસૂલાત
વડોદરા તાજેતરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી થઇ. તેને અનુલક્ષીને વિવિધ ખાતાઓ ધ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ની જોગવાઇઓનો ભંગ કરીને પ્રતિબંધિત સ્થળોએ ધૂમ્રપાન કરનારા અને તમાકુના ઉત્પાદનોનું સેવન કરનારા વ્યક્તિઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. તેના હેઠળ કસુરવાર કરવાની સાથે, તેમને કાયદાની જોગવાઇઓના પાલનની સમજ આપવામાં આવી હતી. સન ૨૦૧૯માં અત્યાર સુધીમાં વિવિધ ખાતાઓના દંડાધિકારીઓએ આ કાયદાનો ભંગ કરનારા ૧૦૪, પાસેથી રૂ. ૪૯૫૦/- ના દંડની વસુલાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ કાયદાની કલમ ૪ અને ૬ હેઠળ સરકારી કચેરી, સંસ્થાઓ, જાહેર સ્થળો તેમજ શિક્ષણ સંસ્થાઓમાં ધૂમ્રપાન સહિત તમાકુનું સેવન કરનારાઓને દંડ ફટકારવાની સત્તા સંસ્થાના અધિકારીઓને આપવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર ટીલાવતના જણાવ્યા પ્રમાણે તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ની ગાઇડ લાઇન્સ પ્રમાણે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનને ધૂમ્રપાન અને તમાકુ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. એટલે તેના મુખ્ય અધિકારીને આ કાયદાની જોગવાઇઓનો ભંગ કરીને તમાકુ કે તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરનારાઓ સામે દંડનીય પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે. તેમના ધ્વારા આ બાબતમાં મુસાફરોને કાયદાના પાલન માટે જાગૃત કરતા કાર્યક્રમો અવાર-નવાર યોજવામાં આવે છે.
તાજેતરમાં તમાકુ નિષેધ દિવસની તાલુકા કક્ષાએ તેમજ ગ્રામ કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે જનજાગૃત્તિ રેલીઓ, શેરીનાટકો, પપેટ શો અને શિબિરો યોજીને લોકોને તમાકુથી થતાં નુકશાન અંગે તેમજ કાયદાની જોગવાઇઓ અને દંડ અંગે જાણકારી આપવામાં આવી હતી.