વણાકબોરી થર્મલની નાલંદા સોસાયટીમાં વ્યંઢળના વેશમાં ચોરી કરવા ઘુસેલા બે પકડાયા
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલ ખાતે આવેલ નાલંદા સોસાયટીમાં વ્યંઢળના વેશમાં ચોરી કરવા ઘુસેલા બે રંગે હાથે ઝડપાયા હતા. જોત જોતામાં પબ્લિક ભેગી થઈ હતી.અને નાલંદા સોસાયટી માંથી એક કિશોરના ગળામાંથી સોનાની ચેનની ચોરી કરી ભાગવા જતાં રાજકોટના બે નકલી વ્યંઢળને લોકોએ ઝડપી લઇ સેવાલિયા પોલીસને સોંપી દીધા હતા.
સેવાલિયાના થર્મલ ચોકડી પાસેની નાલંદાપાર્ક સોસાયટીમાં રવિવારે સાંજના સુમારે રાજકોટ પંથકના પર્વતભાઇ નથુભાઇ રાઠોડ તથા સંદિપભાઇ ચમનભાઇ પરમાર વ્યંઢળનો વેશ ધારણ કરી દિવાળીની બોણી ઉઘરાવવા આવ્યાં હતા.
જ્યાં બન્નેએ એક મકાનમાં પીવા માટે પાણી માગ્યું હતુ.ત્યારે ઉભા કિશોરના ગળામાં સોનાની ચેન જોઇ બન્ને શખસે ચેન આંચકી લઇ ભાગવા માંડતા બાળકે બુમાબુમ કરી મુકતાં સોસાયટીના રહીશોએ પીછો કરી ઝડપી લીધાં હતા.સ્થાનિક રહીશોએ સેવાલિયા પોલીસ અને અસલી વ્યંઢળોને બોલાવી લીધાં હતા.
રિક્ષામાં લાકડી ઓ સાથે આવેલાં ચારેક કિન્નરોએ બન્ને નકલી વ્યંઢળો પર ધોકાવાળી કરી મેથીપાક ચખાડ્યો હતો.જાહેરમાં સ્ત્રીના વેશમાં રહેલાં અસલી કિન્નરોના હાથે થતી નકલી વ્યંઢળોની ધોલાઈને જોવા લોકો ટોળે વળ્યાં હતા. બન્ને કિન્નર શખસના કપડા ચિંથરેહાલ થયા હતા. આખરે સેવાલિયા પોલીસે વચ્ચે પડી બન્ને શખસને છોડાવી પોલીસમથકે લઇ આવ્યાં હતા.