વધી રહેલ મોંધવારીએ લોકોનુંં જીવન પ્રભાવિત કર્યુ છે. મલ્લિકાર્જુન ખડગે
નવીદિલ્હી: મોંઘવારીએ હવે સામાન્ય નાગરિકોની કમર તોડવાની શરૂઆત કરી છે. સતત પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, સીએનજીનાં ભાવ વધારાએ લોકોનાં જીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યુ છે. ત્યારે હવે આગામી જુલાઈ ૧૯ થી જે સંસદનું સત્ર શરૂ થવાનું છે તેમા આ મુદ્દો પ્રભુત્વ જાળવી રાખે તો કોઇ નવાઇ નથી. આ મુદ્દે હવે વિપક્ષ પણ પૂરી રીતે તૈયારી કરીને બેઠુ છે. મોંઘવારીનાં મુદ્દે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મલિલ્કાર્જુન ખડગેએ મોદી સરકાર પર આકાર પ્રહારો કર્યા છે.
મોંઘવારી અને ઇંધણનાં ભાવમાં વધારો થવાનાં મુદ્દા પર જુલાઈ ૧૯ થી સંસદનાં આગામી સત્ર પર પ્રભુત્વ જળવાઈ રહેશે તે વાતને ધ્યાનમાં લેતા, કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકારે ઈંધણ વેરા તરીકે રૂપિયા ૨૫ લાખ કરોડ એકત્ર કર્યા છે. પરંતુ આ ભંડોળનો ઉપયોગ ન તો લોકોનાં કલ્યાણ માટે કરવામાં આવી રહ્યો છે કે ન તો તે રાજ્ય સરકારોને આપવામાં આવી રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ઇંધણ, એલપીજી અને ખાદ્યતેલોનાં ભાવ સર્વાધિક ઉંચા સ્તરે છે. કેન્દ્ર સરકારે ઇંધણ પરનાં ટેક્સ તરીકે ૨૫ લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે, પરંતુ આ ભંડોળ લોકોનાં કલ્યાણ માટે ખર્ચવામાં આવી રહ્યું નથી કે રાજ્ય સરકારોને આપવામાં આવી રહ્યું નથી. તેમણે કહ્યું કે, મોદી સરકારે ઇંધણનાં ભાવમાં ૩૨૬ વખત વધારો કર્યો છે,
જેમાંથી છેલ્લા બે મહિનામાં તે ૩૮ વખત વધારવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, યુપીએ શાસન દરમ્યાન ઇંધણ પર કેન્દ્રીય વેરો પ્રતિ લીટર રૂ.૯.૪૮ હતો જે હવે વધીને ૩૨.૯૦ રૂપિયા થઈ ગયો છે. યુપીએ શાસન દરમ્યાન ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ ૧૧૧ ડોલર કરી હતી અને ત્યારબાદ દેશમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ ૭૧ રૂપિયા હતો. હવે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૪૪ ડોલર છે, તો પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૧૦૭ છે.
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે ઇંધણ વેરા તરીકે ૨૫ લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે અને ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ૮૩૪ રૂપિયા થઈ ગઈ છે અને તેના પરની સબસિડી પણ પરત ખેંચી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે વડા પ્રધાને કહ્યું હતું કે, ડીબીટી યોજના હેઠળ ૧૫ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે અને આનો અર્થ એ કે સરકારે આ રીતે લગભગ એક લાખ કરોડ રૂપિયાની બચત કરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોવિડ મહામારી દરમ્યાન, ૧.૩૩ લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી હતી અને માથાદીઠ આવક દસ હજાર રૂપિયા ઘટી હતી.
તેમણે કહ્યું કે, જીડીપીમાં નવથી દસ ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને હજુ સુધી કેન્દ્ર તરફથી ૩૨,૦૦૦ કરોડ રૂપિયાની જીએસટી મળી નથી. તેમણે વધુમાં કહ્યુ કે, અત્યાર સુધી તેમણે સામાન્ય નાગરિકો માટે મોંઘવારીને સામેથી બોલાવી છે, છતાં તેઓ સ્વીકારવા તૈયાર નથી કે કિંમતોમાં ખૂબ વધારો થયો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે એક્સાઇઝ ડ્યુટી વધારવાને બદલે તેઓ તેને નીચે લાવ્યા હોત, તો પેટ્રોલ અને ડીઝલનાં ભાવ નીચે આવી ગયા હોત. પરંતુ તેઓ એક્સાઈઝ ડ્યુટી વધારતા રહ્યા અને તેમાં સેસ ઉમેરતા રહ્યા. ખડગેએ કહ્યું કે, કોઈ પણ રાજ્યને તે સેસ નથી મળતી, તે સીધો કેન્દ્ર સરકારનાં ખિસ્સામાં જાય છે.