વધુ વળતરની લાલચે યુવક સાથે ૨.૦૯ કરોડની ઠગાઈ કરી
અમદાવાદ: કહેવાય છે કે લોભ અને લાલચ એ બંને કોઈપણ વ્યક્તિને આંધળા બનાવી દે છે. ઘણીવાર આવી લાલચમાં અભણ વ્યક્તિ જ નહીં પરંતુ ભણેલા ગણેલા વ્યક્તિ પણ આવી જતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે જેમાં એક ફાર્મા એક્ઝેક્યુટિવે પોલીસના ઈકોનોમિક ઓફેસન્સીસ વિંગ્સ ઓફ સીઆઈડીમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ મહેસાણા જિલ્લાના વિસનગરના રહેવાસી વ્યક્તિએ તેના પોતાની ઉપરાંત તેના પરિવાર અને મિત્રો સાથે મલ્ટિ લેવલ માર્કેટિંગ સ્કિમના નામે મહિને ૫થી ૧૦ ટકા જેટલા રિટર્નના નામે કુલ રુપિયા ૨.૦૯ કરોડની છેતરપીંડી કરી છે.
પોતાની એફઆઈઆરમાં શહેરના બાપુનગરમાં જય બજરંગી સોયાટીમાં રહેતા અને ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડમાં ક્વોલિટી એન્સ્યોરન્સ વિબાગમાં સીનિયર એક્ઝેક્યુટીવ પદ પર નોકરી કરતા ૩૩ વર્ષના હર્ષદ પટેલે જણાવ્યું કે મહેસાણા જિલ્લાના વિસનગર ગામમાં વસંતનગરમાં રહેતા ત્રીભોવન પટેલ નામના વ્યક્તિએ ઓગસ્ટ ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૧૯ સુધી તેની પાસેથી સ્કીમમાં રોકાણના નામે કટકે કટકે રુપિયા પડાવ્યા હતા. હર્ષદે જણાવ્યું કે તેમના એક કોમન મિત્ર દ્વારા ત્રિભોવન સાથે મુલાકાત થઈ હતી.
ત્રિભોવન ગુરુદેવ ઇન્વેસ્ટમેન્ટ નામે કંપની ચલાવતો હતો. જે બાદ ત્રિભોવને હર્ષદને નિકોલ અને બાપુનગરમાં અનેક બિઝનેસ મીટિંગ માટે મળ્યો હતો. આ મીટિંગ્સમાં તેણે કહ્યું હતું કે, તેણે પહેલા આ સ્કિમમાં રોકાણ કરવું પડશે જ્યાર બાદ તેણે એજન્ટ્સ બનાવવા પડશે જે રોકાણ કરશે
જેનાથી મુખ્ય ઇન્વેસ્ટર અને બીજા જે તેની અંદર રોકાણ કરશે તેને એક ચોક્કસ રિટર્ન મળશે. હર્ષદે એફઆઈઆરમાં જણાવ્યું કે, આ મીટિંગ્સમાં મને એવા ઘણા એજન્ટ્સ મળ્યા જેમણે મને કહ્યું કે તેમને ત્રિભોવનની કંપનીમાં રોકાણ કરીને ખાસ્સો ફાયદો થયો છે.
આ રોકાણથી આવક થતા તેમણે જમીન પણ લીધી હોવાના દાવાઓ આ એજન્ટ્સે કર્યા હતા જેના કારણે તેમણે આ સ્કિમમાં રોકાણ માટે મન બનાવી લીધું હતું. તેમજ મે મારા મિત્રો અને પરિવારના સભ્યો પાસે પણ રોકાણ કરાવ્યું હતું. અમને સારું રિટર્ન મળવાની આશા હતી. તેમણે આગળ કહ્યું કે, તેમણે અને તેમના પરિવારના સભ્યોએ આ કંપનીમાં ખૂબ જ મોટું રોકાણ કર્યું હતું. જાેકે ત્રિભોવન અને તેના સાથીઓ દ્વારા અમને કોઈ જ રિટર્ન મળ્યું નહોતું.