વધુ સાત વ્યક્તિઓનો સારવાર બાદ COVID-19 ટેસ્ટ નેગેટીવ આવતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
આગામી ૦૭ દિવસ સુધી દેથળી ખાતે આવેલી સ્ટેટ ઈન્સ્ટિટ્યુટ ઑફ હૉટલ મેનેજમેન્ટ ખાતે તૈયાર કરવામાં આવેલા ગવર્મેન્ટ કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવશે
(માહિતી બ્યુરો, પાટણ) લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ વચ્ચે પાટણ જિલ્લા માટે આનંદના સમાચાર આવ્યા છે. પાટણ જિલ્લામાં નોંધાયેલા COVID-19ના ૧૫ પોઝીટીવ કેસ પૈકી તા.૦૮ માર્ચના રોજ ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે દાખલ થનાર નેદ્રા ગામના ૦૭ વ્યક્તિઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ધારપુર જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી યોગેશાનંદ ગોસ્વામીએ જણાવ્યું કે, કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની ગાઈડલાઈન મુજબ સારવાર અને દર્દીના સ્વાસ્થ્યની સતત દરકાર કરતાં હોસ્પિટલ સ્ટાફની જહેમતથી સાત વ્યક્તિઓ સ્વસ્થ થયા છે. ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે અમે દર્દીઓની શ્રેષ્ઠ સારવાર થાય તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરી છે.
સિદ્ધપુર અને નેદ્રા ગામના કુલ ચાર દર્દીઓનો COVID-19 ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ જી.એમ.ઈ.આર.એસ. ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ગાઈડલાઈન મુજબ તેની સારવાર અને રીપોર્ટ્સ કર્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓ હોસ્પિટલના સ્ટાફ અને તેમને આપવામાં આવેલી તબીબી સેવાથી સંતુષ્ટ છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ નેદ્રા ગામના તા.૦૮ એપ્રિલના રોજ દાખલ કરવામાં આવેલા અનુક્રમે ૮૩ વર્ષિય, ૬૦ વર્ષિય, ૨૮ વર્ષિય અને ૨૭ વર્ષિય પુરૂષ તથા ૫૫ વર્ષિય, ૫૪ વર્ષિય અને ૨૦ વર્ષિય મહિલાને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સારવાર બાદ ગાઈડલાઈન મુજબ ૦૭ દિવસ બાદ ૨૪ કલાકના અંતરે લેવામાં આવેલા તમામ ચાર વ્યક્તિઓના COVID-19ના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવ્યા છે.
સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનાર એક દર્દી જણાવે છે કે, ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના સ્ટાફે અમને જે સહકાર આપ્યો છે, જે રીતે અમારી ખડેપગે સેવા કરી છે, અમારી પાછળ જે ભોગ આપ્યો છે તેના માટે આભાર અત્યંત નાનો શબ્દ છે. અહીં ખુબ સારી સારવાર અને દેખરેખના પ્રતાપે અમે સ્વસ્થ થયા છીએ તે માટે હંમેશા હોસ્પિટલના આરોગ્ય સ્ટાફનો સદાય આભારી રહીશ.
COVID-19ને હંફાવી સાજા થયેલા ૦૪ પુરૂષ અને ૦૩ મહિલાઓને હાલ સિદ્ધપુર તાલુકાના દેથળી ખાતે આવેલી સ્ટેટ ઈન્સ્ટિટ્યુટ ઑફ હૉટલ મેનેજમેન્ટ ખાતે તૈયાર કરવામાં આવેલા ગવર્મેન્ટ કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવશે. ગાઈડલાઈન મુજબ COVID-19નો ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદના ૧૪ દિવસ સુધી કોરોન્ટાઈન કરવાના હોય છે. એટલે કે સાત દિવસ બાદ COVID-19નો ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ બીજા ૦૭ દિવસ ગવર્મેન્ટ કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખ્યા બાદ તેમને પોતાના ઘરે જવાની રજા આપવામાં આવશે. જ્યાં તેમને વધુ ૧૪ દિવસ હોમ કોરોન્ટાઈન રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અગાઉ નોંધાયેલા COVID-19 પોઝીટીવ ૧૪ વ્યક્તિઓ પૈકી સારવાર બાદ COVID-19 ટેસ્ટ નેગેટીવ આવતાં તા.૧૩ માર્ચના રોજ સિદ્ધપુરના ૦૧ અને નેદ્રા ગામના ૦૩ વ્યક્તિઓને હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.