વનબંધુ કલ્યાણ યોજના હેઠળ બીજા પેકેજમાં ચાલીસ હજાર કરોડની ફાળવણી: મંગુભાઈ

મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલનો સત્કાર સમારોહ યોજાયો
વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજ તથા શ્રી સદગુરુદેવ સ્વામી અખંડાનંદ મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, બરૂમાળ દ્વારા મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે મહત્વનો હોદ્દો સંભાળ્યા બાદ પહેલી વખત વલસાડ જિલ્લામાં આવેલા રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલનો સન્માન સમારંભ ધરમપુર તાલુકાના બરૂમાળ સ્થિત ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.
આ અવસરે મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલે તેઓની કારકિર્દી દરમિયાન થયેલા અનુભવોનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, રાજ્યપાલ બનવું એ મારા માટે ચમત્કાર સમાન છે. સન્માન કાર્યક્રમમાં સૌને મળવાનું થાય એ મહત્વની વાત છે. તમે બધા મારા છે, આ વિસ્તારમાં દરેક સ્થળોની મુલાકાત પણ લીધી છે, અનેક લોકોને હું ઓળખું છું, તેમ જણાવી સૌને નામ લઈને યાદ કર્યા હતાં.
અહીંની પ્રજા ખૂબજ ભોળી છે અને ગરીબોનું કરેલું કામ કદી એળે જતું નથી તેમ જણાવી નબળા સમાજને ઉપયોગી બની મદદરૂપ બનવા તેમજ ગરીબ પ્રજાની સેવા આત્મીયતા દાખવી કરવા અનુરોધ કર્યો હતો. સારા સ્વાસ્થ માટે યોગ ખુબજ ઉપયોગી છે, જેમાં સમગ્ર વિશ્વને જાેડવાનું કામ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. કોરોના સમયમાં પણ નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરિવારના દીકરાના ખબર અંતર પૂછવુ એ મોટી વાત છે, તેમ તેમણે જણાવ્યું હતું.
વનબંધુ કલ્યાણ યોજના હેઠળ શરૂઆતના પ્રથમ પેકેજમાં ફાળવેલા ૧૫ હજાર કરોડની સામે ૧૭ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી આદિજાતિઓના સર્વાંગી વિકાસની શરૂઆત કરી હતી. આ યોજનાના બીજા પેકેજમાં ચાલીસ હજાર કરોડની ફાળવણી કરી આદિજાતિઓના વિકાસને ઝડપભેર આગળ વધાર્યો હતો.
આજે આદિજાતિઓના વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે, ત્યારે આદિજાતિના વિકાસને લાગતી યોજનાઓની જાણકારી અને લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને કોઈ પણ વ્યક્તિ સહાયથી વંચિત ન રહે તે જાેવાની જવાબદારી પદાધિકારીઓ અને અધિકારીઓ નિષ્ઠાપૂર્વક બજાવે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
કોઈ પણ વ્યક્તિએ તેની યોગ્યતાની સાથે પરિશ્રમ કરવો જરૂરી છે, તેમ જણાવી સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ યોગ્ય વ્યક્તિને આપી નબળા સમાજને મદદરૂપ બની તેમને ઉન્નતિના માર્ગે લઈ જવાની કામગીરી સરકારને પૂરક બનવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને આદિજાતિ સમાજનું ગૌરવ એવા મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલનું સન્માન આદિવાસી સમાજ માટે યાદગાર અને ઐતિહાસિક બની રહેશે. જેમનું સમગ્ર જીવન આદિજાતિ સમજના વિકાસ માટે સમર્પિત કર્યુ છે
એવા સમાજસેવા માટે હંમેશા તત્પર રહેલા મંગુભાઈ પટેલ ગુજરાતના નવસારીથી ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર રહયા છે. તેઓ નવસારીમાં પાંચ ટર્મ અને ગણદેવીમાં એક ટર્મ મળી ૨૭ વર્ષ સુધી તેઓ ધારાસભ્ય પદે રહયા હતા. તેમણે આદિજાતિ કલ્યાણ અને કુટિર ઉદ્યોગમંત્રી, આદિજાતિ કલ્યાણ મંત્રી,
આદિજાતિ કલ્યાણ, વન અને પર્યાવરણ મંત્રી તેમજ ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર તરીકેની સેવાઓ બજાવી છે. એમના કાર્યકાળ દરમિયાન અનેક પ્રકારની સરાહનીય કામગીરી અને વનબંધુ કલ્યાણ યોજનાના સુચારુ અમલીકરણ થકી આદિજાતિઓનો સર્વાંગી વિકાસ થયો છે.