Western Times News

Gujarati News

વન ક્ષેત્રો ખાલી કરાવવા ફરીદાબાદમાં ૧૦,૦૦૦ મકાનો પર બુલડોઝર ફરી વળશે

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે ફરીદાબાદ નિગમને સોમવારે લક્કડપુર-ખોરી ગામના વન ક્ષેત્રમાં આવેલા તમામ ઘરો ૬ સપ્તાહની અંદર તોડી નાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કોઈ પણ સંજાેગોમાં વન ક્ષેત્ર ખાલી કરવાનું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે અને તેમાં કોઈ પણ જાતની સમજૂતી નહીં કરી શકાય. વન ક્ષેત્રમાં આશરે ૧૦,૦૦૦ જેટલા ઘરો બનેલા છે.

જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની પીઠે ફરીદાબાદ નિગમને ૬ સપ્તાહની અંદર કોઈ પણ સંજાેગોમાં વન ક્ષેત્રમાં બનેલા મકાનો તોડી પાડવાનો આદેશ આપ્યો છે. પીઠે હરિયાણા સરકારને નિગમના કર્મચારીઓની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા માટે પણ કહ્યું છે.

કોર્ટે ૬ મહિનાની અંદર અનુપાલન રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે અને ત્યાર બાદ કોર્ટ રિપોર્ટની સત્યતાની તપાસ કરશે. પીઠે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જાે આ આદેશનું પાલન નહીં થાય તો સંબંધિત અધિકારીઓ સીધી રીતે જવાબદાર ગણાશે. સુપ્રીમ કોર્ટે ફરીદાબાદના પોલીસ અધિક્ષકને નિગમના કર્મચારીઓને પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરાવવાની જવાબદારી સોંપી છે. કોર્ટના કહેવા પ્રમાણે સુરક્ષા આપવામાં અભાવ દેખાશે તો એસપી જવાબદાર ગણાશે.૨૦૧૬માં હાઈકોર્ટે આ વન ક્ષેત્રમાં બનેલા નિર્માણો દૂર કરવા આદેશ આપ્યો હતો

પરંતુ ૫ વર્ષ વીતવા છતાં કોઈ કાર્યવાહી ન થવા અંગે કોર્ટે આકરી પ્રતિક્રિયા આપી હતી. કોર્ટે કહ્યું કે, ફેબ્રુઆરી ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે પણ નિગમને આ ગેરકાયદેસર મકાનો તોડી પાડવા કહ્યું હતું.ત્યાર બાદ સપ્ટેમ્બર ૨૦૨૦માં પણ સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ દોહરાવ્યો હતો. પીઠના કહેવા પ્રમાણે આટલા આદેશો છતા વન ક્ષેત્રને ખાલી નથી કરાવી શકાયું જેમાં ક્યાંક ને ક્યાંક નિગમની ઉદાસીનતા જણાય છે.

જ્યારે ફરીદાબાદ નિગમના વકીલે જણાવ્યું કે ડિમોલિશન માટેની કામગીરી થઈ હતી પરંતુ ત્યાં લોકો નિગમની ટીમ પર પથ્થરમારો કરે છે.
વન ક્ષેત્રમાં રહેતા લોકો તરફથી કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ કૉલિન ગોંજાલ્વિસે હાલ પૂરતી કાર્યવાહી અટકાવીને ત્યાં રહેતા લોકોના પુનર્વસનનો કેસ ઉકેલવા કહ્યું હતું. તેમની આ દલીલ સામે સુપ્રીમ કોર્ટે આકરો વિરોધ દર્શાવ્યો હતો અને તેમની માંગણીને અનુચિત ગણાવી હતી. પીઠે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, પહેલા જગ્યા ખાલી થવી જાેઈએ ત્યાર બાદ જ તે અરજીની સુનાવણી થશે. પીઠે જણાવ્યું કે, પુનર્વસનનો કેસ નીતિગત છે. કોર્ટે ગેરકાયદેસર રીતે વન ક્ષેત્રોમાં રહેતા લોકોને તેઓ જાતે જ ઘર ખાલી કરી દે તો સારૂ રહેશે તેમ કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.