Western Times News

Gujarati News

વન-ડેમાં હાર્દિક પંડ્યાએ ૧૦૦૦ રન પૂરા કરી લીધા

સિડની: ટીમ ઈન્ડિયાના ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૩મી સિઝનમાં બોલિંગ કરી ન હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં પણ તે ફ્કત બેટ્‌સમેન તરીકે રમ્યો છે. તેવામાં ટીમમાં તેના સ્થાનને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે. જોકે, સિડની ખાતેની પ્રથમ વન-ડેમાં તેણે પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે. ૩૭૫ રનના લક્ષ્યાંકના જવાબમાં હાર્દિક પંડ્યાએ ૭૬ બોલમાં સાત ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી ૯૦ રનની ઈનિંગ્સ રમી હતી.

આ શાનદાર ઈનિંગ્સ દરમિયાન તેણે એક સિદ્ધિ પોતાના નામે કરી હતી. હાર્દિક પંડ્યાએ આ ઈનિંગ્સ દરમિયાન વન-ડે ક્રિકેટમાં પોતાના ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. આ હાર્દિકની ૫૫મી વન-ડે અને ૩૯મી ઈનિંગ્સ હતી. શુક્રવારે સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં રમવા ઉતર્યો ત્યારે હાર્દિકના ૯૫૭ રન હતા. ૧૦૦૦ રન પૂરા કરવા માટે તેને ૪૩ રનની જરૂર હતી. તેણે ૨૩મી ઓવરમાં ગ્લેન મેક્સવેલના બોલ પર સિક્સર ફટકારીને ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. હાર્દિક પંડ્યાએ ૮૫૭ બોલમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા.

આ સાથે જ તે ભારત માટે સૌથી ઓછા બોલમાં ૧૦૦૦ વન-ડે રન નોંધાવનારો બેટ્‌સમેન બની ગયો છે. હાર્દિક પંડ્યાએ કેદાર જાધવના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. કેદાર જાધવે ૯૩૭ બોલમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો હાર્દિક પાંચમાં ક્રમે છે. આ યાદીમાં આન્દ્રે રસેલ ટોચ પર છે. વેસ્ટ ઈન્ડિઝના આ વિસ્ફોટક બેટ્‌સમેને ૭૬૭ બોલમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા.

ત્યારબાદ લ્યૂક રોંચીનો નંબર આવે છે. તેણે ૮૦૭ બોલમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. પાકિસ્તાનના સ્ટાર ઓલ-રાઉન્ડર શાહિદ આફ્રિદીએ ૮૩૪ બોલનો સામનો કર્યો હતો. ત્યારપછી ન્યૂઝીલેન્ડના કોરી એન્ડરસનનો નંબર છે જેણે ૮૫૪ બોલમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.