વરસતા વરસાદમાં પણ છત્રી-રેઈનકોટ લઈને લોકો વેક્સિન લેવા ઉમટ્યા
થર્ડ વેવની અદ્રશ્ય ભીતિથી સામે ચાલીને લોકો વેક્સિન લે છે, પણ મ્યુનિ. તંત્રની બેદરકારીથી ધાંધિયા થાય છે
અમદાવાદ, શહેરમાં ચોમાસાએ જમાવટ કરી છે. ક્યારેક ઝરમર વરસાદ તો ક્યારેક જાેરદાર ઝાપટું પાડીને મેઘરાજા હેત વરસાદી રહ્યાં છે. આના કારણે વાતાવરણ પણ ખુશનુમા બન્યું છે. આજે વરસાદની સવારથી હાજરી હતી. ક્યાંક ધીમી ધારે સતત વરસાદ વરસ્યો હતો.
આવા વરસાદી માહોલમાં પણ લોકોના વેક્સિન લેવાના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નહોતી. વરસાદથી બચવા છત્રી કે રેઈનકોટ લઈને પણ લોકો વેક્સિન માટેની લાઈનમાં ઉભા રહ્યાં હતા. આ સમગ્ર દ્રશ્ય કોરોનાની સંભવિત થર્ડ વેવ સામેની અમદાવાદીઓની સ્વયંભૂ જાગૃતિ દર્શાવતું હોઈ જે જુએ તેની આંખને ઠારતું હતું.
દેશના કેરળ રાજ્યમાં કોરોનાની થર્ડ વેવે તોફાન મચાવી દીધું છે. ગુજરાતમાં પણ કોરોનાના ડેલ્ટા વાઈરસ સહિતના ત્રણ રૂપે દેખા દીધી છે. જાે કે આઈસીએમઆરના તાજેતરના સીરો સર્વેલન્સમાં ગુજરાતમાં ૭પ.૩ ટકા વસ્તીમાં કોરોના એન્ટીબોડી ઉત્પન્ન થયા હોવાનું જાણવા મળ્યું છે.
એટલે થર્ડ વેવમાં જાે ડેલ્ટા વેરિએન્ટનું આક્રમણ વધુ ન હોય તો ગુજરાતીઓ માટે ખાસ ચિંતાજનક સ્થિતિ નથી. દેશમાં સીરો પોઝિટિવિટીમાં ટોચનાં પાંચ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ લોકો પણ સંભવિત થર્ડ વેવનો બહાદુરીપૂર્વક મુકાબલો કરવા સજ્જ થયા છે. અગાઉની જેમ કોરોના વેક્સિનને લઈને મધ્યમવર્ગીય લોકોમાં હવે ખાસ ડર જાેવા મળતો નથી. આ વર્ગના લોકોમાં હવે વેક્સિન લેવાના ઉત્સાહમાં બમણો -ત્રણ ગણો વધારો જાેવા મળે છે.
વહેલી સવારથી લોકો સ્વયંભૂ રીતેજે તે વેક્સિનેશન સેન્ટરની બહાર લાઈનમાં ઉભા રહી જાય છે. વેક્સિનની લાઈનમાં ચાર-પાંચ કલાક સુધી તપસ્યા કરીને પણ લોકો કંટાળતા નથી. અત્યારે થર્ડ વેવની અદ્રશ્ય ભીતિ લોકોમાં જાેવા મળી રહી છે, જેના કારણે પણ સામે ચાલીને લોકો વેક્સિન લઈ રહ્યાં છે.
જાે કે મ્યુનિ. તંત્ર વેક્સિનેશનના આયોજનમાં ડફોળ પુરવાર થયું છે. તંત્રની ડફોળાઈથી રોજેરોજ વેક્સિનેશનમાં ધાંધિયા જાેવા મળે છે. વેક્સિનના પૂરતા ડોઝ રાજ્ય સરકાર તરફથી ફાળવાતા નથી તે સમજી શકાય છે, પણ અમુક વેક્સિનેશન સેન્ટરમાં વહાલાં-દવલાંની નીતિ અપનાવાઈને પાછળા બારણેથી વેક્સિન અપાય છે.
જેને મ્યુનિ. હેલ્થ વિભાગ અટકાવી શક્યો નથી. વેક્સિનેશન સેન્ટરમાં ક્યારેક સિક્યોરિટી સ્ટાફનું વર્તન બહુ બેહુદું હોય છે. સેન્ટરાં બોર્ડ મૂકીને આવેલા ડોઝની સંખ્યા દર્શાવાતી નથી. વેક્સિનના ડોઝના વધેલા સ્ટોકનો હિસાબ રખાતો નથી. એટલે અમુક વાર બારોબાર વહીવટ થઈજાય છે.
વક્સિન લીધા બાદ જે તે વ્યક્તિને અડધો કલાક નિરીક્ષણ હેઠળ રાખવાની પણ તસદી લેવાતી નથી. ગમે ત્યારે વેક્સિન ખૂટી ગયાની જાહેરાત કરીને સેન્ટર પરનો સ્ટાફ હાથ ઉંચા કરી દે છે. આ એક પ્રકારની અરાજકતા છે કે જેને દૂર કરીને સત્તાવાળાઓ લોકોની હેરાનગતિ દૂર કરી શકે છે.
કમનસીબે તેમ થતું નથી એટલે જાે વરસદાની ચિંતા કર્યા વગર લોકો વેક્સિન લે.વા ઉત્સાહ દાખવતા હોય તો તંત્રના અણઘડ આયોજનથી તેમના ઉત્સાહ પર પાણી ફરીવળે તેવું પણ થાય છે.