વરસાદના પરિણામે રોડ રસ્તાઓની ખરાબ હાલત થતાં વાહન ચાલકો પરેશાન
અમદાવાદ, અમદાવાદમાં શહેરમાં પણ હળવો વરસાદ દિવસ દરમિયાન જારી રહ્યો હતો. બીજી બાજુ અમદાવાદ માટે હવામાન વિભાગ તરફથી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી પણ છે. જેથી અમદાવાદમાં પણ લોકો સાવચેત થયેલા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરી છે.
ઉત્તર ગુજરાત અને ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જારી રહેતા રસ્તાઓ ભીના રહ્યા હતા. વાહનો સ્લીપ થવાના બનાવો બન્યા હતા. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ગાજવીજ સાથે વરસાદી માહોલ જારી રહી શકે છે.
દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદ જારી રહ્યો છે. અમદાવાદ શહેરમાં હજુ સુધી ૭૨૯.૨ મીમીથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. ભારે વરસાદના કેટલાક રાઉન્ડ પણ અમદાવાદમાં આવી ચુક્યા છે. હાલના ભારે વરસાદના લીધે ઘણા વિસ્તારમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તાઓ ઉપર પડી ગયેલા ખાડાઓ અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે. દર્પણ છ રસ્તા અને આસપાસના વિસ્તારો તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ હાલતને કારણે વાહન ચાલકો ભારે પરેશાન થયેલા છે.