વરસાદને લઇ ખૈલેયા અને આયોજકો ચિંતામાં
રિવરફ્રન્ટ સહિતના રાસ અને ગરબાના અનેક સ્થળ પાણીમાં ગરકાવ
અમદાવાદ, નવરાત્રિને આડે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મેઘરાજાએ વરસાદી મેહર ચાલુ રાખી છે જેને લઇ હવે નવરાત્રિ રસિયા ખૈલેયાઓ અને આયોજકો ભારે ચિંતાતુર અને નિરાશ બન્યા છે. બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા હજુ પણ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ત્રણથી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં હોઇ ખૈલેયાઓ અને નવરાત્રિ રાસ-ગરબા આયોજકોની ચિંતા વધી ગઇ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં રાસ-ગરબાના સ્થળોએ પાણી ભરાઇ ગયા છે.
ખાસ કરીને રાજય સરકારની વાયબ્રન્ટ નવરાત્રિની તૈયારીઓ જયાં ચાલી રહી છે તે જીએમડીસી ગ્રાઉન્ડ અને રિવરફ્રન્ટ સહિતના પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને ખુલ્લા પ્લોટો પાણીમાં જાણે ગરકાવ અને કાદવ-કિચ્ચડવાળા બની ગયા છે, જેને લઇને ખૈલેયાઓ હવે મેઘરાજાને ખમૈયા કરવા મનામણાં કરી રહ્યા છે તો, રાસ-ગરબાના આયોજકોના બધા આયોજન પર પાણી ફરી વળ્યા છે. તો વળી, ગઇકાલે મોડી રાતના ભારે તોફાની વરસાદના કારણે રાણીપ સહિતના કેટલાક વિસ્તારમાં તો, નવરાત્રિના રાસ-ગરબા માટે બાંધવામાં આવેલા મંડપ અને હોર્ડીંગ્સ-પાટિયા ઉડી ગયા હતા.
વરસાદી વાતાવરણને લઇ અમદાવાદ શહેરની જેમ જ વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં પણ નવરાત્રિના રાસ-ગરબાના આયોજનો ખોરવાયા છે. ખાસ કરીને વડોદરા, સુરત અને રાજકોટમાં ખૈલેયાઓની મોજ બગડતાં તેઓ ભારે નિરાશા અને ચિંતામાં ગરકાવ બન્યા છે.
યુવાધન અને નવરાત્રિ રસિયા ખૈલેયાઓ હવે મેઘરાજાને વિરામ લેવા પ્રાર્થના કરી રહ્યા છે તો, આયોજકો પણ તેમના આયોજન ઉઁધા પડતાં સંભવિત નુકસાનીને લઇ ભારે ચિંતામાં ગરકાવ બન્યા છે.
આ શહેરોમાં પણ રાસ-ગરબાના સ્થળો, પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ સહિતના સ્થળો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં પણ ગઇ મોડી રાત્રે તો તોફાની પવન સાથે વરસાદે જાણે શહેરભરને ઘમરોળી નાંખ્યું હતું. માત્ર એક જ કલાકમાં શહેરમાં દોઢથી ચાર ઇંચ સુધીનો સરેરાશ વરસાદ નોંધાયો હતો.
જેને પગલે રાજય સરકારની વાયબ્રન્ટ નવરાત્રિની તૈયારીઓ જયાં ચાલી રહી છે, તે જીએમડીસી ગ્રાઉન્ડ તો જાણે પાણીમાં ગરકાવ બન્યું હતુ. જેને લઇ વાયબ્રન્ટ નવરાત્રિની તૈયારીઓ અટવાઇ પડી છે.
તો, રિવરફ્રન્ટ સહિતના સ્થળોએ અમ્યુકો સહિતના રાસ-ગરબાના આયોજનો પણ પાણી ભરાઇ જવાના કારણે હાલ તો, અટવાયા છે. રાસ-ગરબાના રસિયાઓ, ખૈલેયાઓ, આયોજકોથી માંડી નવરાત્રિ જાનારા શોખીનો સૌકોઇ હવે તો મેઘરાજાને બસ ખમૈયા કરવાની પ્રાર્થના કરતાં જાવા મળી રહ્યા છે. જા આ બે દિવસમાં પણ વરસાદ વિરામ લે તો, આયોજકો ગમે તેમ કરીને પાણીનો નિકાલ કરી રાસ-ગરબાના આયોજનો પાર પાડવાની ફિરાકમાં છે.