વરસાદમાં અમદાવાદીઓએ ૫૦૦ કિલો દાળવડા ઝાપટ્યા
અમદાવાદ: વરસાદ પડે એટલે અમદાવાદીઓ દાળવડાને પોતાની પહેલી પસંદ બનાવે છે. વરસતા વરસાદના અમદાવાદી દાળવડાની લારી પાસે ઉભો ના રહે તો તે અમદાવાદી ન કહેવાય. ઘણા સમય બાદ આજે અમદાવાદમાં વરસાદના માહોલની જમાવટ કરી છે. એવામાં શહેરમાં અલગ અલગ જગ્યાએ ઊભા રહેતા લારીવાળા તેમજ દાળવડા સેન્ટર ઉપર અમદાવાદીઓએ લાંબી લાઇન લગાવી હતી. વરસાદમાં અમદાવાદ શહેરના અલગ અલગ જગ્યા ઉપર ક્યાંક ટોકન સિસ્ટમ તો ક્યાંક કુપન લઈને અમદાવાદીઓએ દાળવડાની ખરીદી કરી હતી.
વરસાદી મોસમ વચ્ચે રવિવારે અમદાવાદીઓએ આશરે ૫૦૦ કિલો દાળવડા ઓહિયા કરી ગયા હતા. અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રવિવારના દિવસે લોકોને રજાની સાથે દાળવાડાનો પણ આનંદ લીધો હતો. એક અંદાજ પ્રમાણે રવિવારના દિવસે અમદાવાદમાં નાના-મોટા લારી-દુકાના ધરાવતા દાળવડાના વેપારીઓએ કુલ ૫૦૦ કીલો દાળવડાનો વેપાર કર્યો હતો.
વેપારીઓનું માનવું છે કે લોકડાઉન પછી આજે પહેલો દિવસ છે. જેમાં આટલી ઘરાકી જોવા મળી હતી.
વરસતા વરસાદમાં દાળવડાની સુગંધ લોકોની એવી રીતે ખેંચી લાવી કે અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં રોડ સુધી લાંબી લાઈનો જોવા મળી. કોરોના વાયરસને કારણે મોટાભાગે દાળવડા સેન્ટર દ્વારા પણ લોકોને સિસ્ટમ ફોલો કરે તેવું જણાવાયું હતું.
અમદાવાદના અંકુર ચાર રસ્તા પાસે આવેલા આનંદ દાળવડા સેન્ટર ઉપર આજે સવારથી જ આશરે ૫૦૦૦ રૂપિયાનું કાઉન્ટર થઈ ગયું હતું. કે સવારથી લગભગ સાંજના ૫ વાગ્યા સુધી લોકોએ ૫૦૦૦ રૂપિયાના દાળવડા ઝાપટયા હતા.
અહી કિલો દાળવડાનો ભાવ ૨૮૦ રૂપિયા જોવા મળ્યો. આ અંગે વાતચીત કરતા આનંદ દાળવડા સેન્ટર ના માલિક રમેશભાઈ ચંડેલે જણાવ્યું કે કોરોનાવાયરસ બાદ આજે પહેલી વાર આટલી સંખ્યામાં ગ્રાહકો જોવા મળ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગોતા વિસ્તારમાં આવેલા અંબિકા દાળવડા સેન્ટર પર સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી. જેને કારણે અંબિકા દાળવડા સેન્ટર પર દિવસભર સેનીટાઈઝેશન કરવામાં આવ્યું હતું.