વરસાદ ઓછો રહેવાથી ખરીફ પાક વાવણી ઘટી
નવી દિલ્હી : જૂન મહિનામાં મોનસુની વરસાદ ઓછો રહેવના કારણે ખરીફ પાક વાવણી ક્ષેત્ર ૨૭ ટકા ઘટીને ૨૩૪.૩૩ લાખ હેક્ટર રહેતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સરકારી આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે, આવનાર દિવસોમાં વાવણીના કામમાં તેજી આવવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ખુબ સારો વરસાદ પડી શકે છે. કેન્દ્ર સરકારે ૧૪ મંજુર કરવામાં આવેલા ખરીફ પાકના લઘુત્તમ સમર્થન મુલ્યમાં ઉલ્લેખનીયરીતે વધારો કરી દીધો છે. આઈએમડીના આંકડા મુજબ ખરીફ પાકની વાવણી દક્ષિણ પશ્ચિમ મોનસુનની શરૂઆત સાથે શરૂ થઇ જાય છે. આ વર્ષે મોનસુનમાં વિલંબ થતાં વાવણીમાં વિલંબની સ્થિતિ સર્જાઈ છે.
સાથે સાથે વરસાદમાં પણ ૩૩ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. સરકારી કૃષિ મંત્રાલયના નવેસરના આંકડા દર્શાવે છે કે, ૨૦૧૯-૨૦ના પાક વર્ષ (જુલાઈ-જૂન)ની ખરીફ સિઝનમાં છેલ્લા સપ્તાહ સુધી ખરીફ પાકની વાવણીનું ક્ષેત્ર ગયા વર્ષના ૩૧૯.૬૮ લાખ હેક્ટરની સરખામણીમાં ઘટીને ૨૩૪.૩૩ લાખ હેક્ટર રહ્યું છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, ખરીફ પાક ડાંગરની વાવણીના ક્ષેત્રમાં પણ છેલ્લા સપ્તાહ સુધી ઘટાડો થયો છે. ગયા વર્ષની આ અવધિ દરમિયાન આંકડો ૬૮.૬૦ લાખ હેક્ટરનો રહ્યો હતો.
જેની સામે ડાંગરની વાવણી માટે ક્ષેત્ર ૫૨.૪૭ લાખ હેક્ટર રહેતા ખેડૂતો અને સાથે સાથે સરકાર પણ ચિંતાતુર છે. છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, કર્ણાટક, અરુણાચલ, બિહાર, આસામ, બંગાળ અને હિમાચલ જેવા ક્ષેત્રોમાં ડાંગરની વાવણીનું કામ ઓછા વિસ્તારમાં થયું છે. બીજી બાજુ જુદા જુદા પ્રકારની દાળ જેમાં તુવેર, અડદ અને મગની વાવણી માટે ક્ષેત્ર માત્ર ૭.૯૪ લાખ હેક્ટર રહેતા આમા પણ ઘટાડો થયો છે. આ આંકડો ગયા વર્ષે ૨૭.૯૧ લાખ હેક્ટર રહેતા ઉત્પાદન વધારે થયું હતું. અન્ય પાકમાં શેરડીની વાવણી આશરે ૫૦ લાખ હેક્ટર રહી છે જે ગયા વર્ષની અવધિમાં ૫૧.૪૧ લાખ હેક્ટર રહી હતી.
તલની વાવણીમાં ક્ષેત્ર ૩૦.૦૨ લાખ હેક્ટર છે. કપાસની વાવણી ક્ષેત્ર ૪૫.૮૫ લાખ હેક્ટર છે જે ગયા વર્ષે ૫૪.૬૦ લાખ હેક્ટરમાં કપાસની વાવણી થયાના આંકડા દર્શાવે છે. આ તમામ બાબતો દર્શાવે છે કે, વરસાદ ઓછો હોવાના કારણે ખરીફ પાકની વાવણી ક્ષેત્રમાં નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે.