વરાછા 31 મી જુલાઈ સુધી બંધ રાખવાના નિર્ણય કરતા બંને બજારોમાં સન્નાટો
સુરત શહેરમાં કોરોના વાયરસના કેસોમાં પ્રતિદિન ઉછાળો નોંધાતા સાવચેતીના ભાગરૂપે ઠેર ઠેર સ્વૈચ્છીક લોકડાઉનના અમલ થઈ રહ્યો છે. દરમિયાન વરાછા મીની હીરા બજાર તથા વરાછા ચોકસી બજાર આજથી વધુ તા.૩૧’મી જુલાઈ સુધી બંધ રાખવાના નિર્ણય કરતા બંને બજારોમાં આજે પણ સન્નાટો છવાયેલો છે.
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસની મહામારી ધીરે-ધીરે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. સુરત શહેરમાં પ્રતિદિન ૨૫૦ જેટલા કોરોના વાયરસના કેસ પોઝિટિવ નોંધાઈ રહ્યા છે. ત્યારે જુદા જુદા વેપારી મંડળો, માર્કેટો તથા બજારો સ્વૈચ્છીક રીતે બંધ રાખવામાં આવ્યા છે. આ દરમિયાન વરાછા મીની હીરા બજાર તેમજ વરાછા ચોકસી બજાર પણ તા.૩૧ જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલના રિઝનલ ચેરમેન દિનેશભાઈ નાવડીયા દ્વારા કરવામાં આવી છે.
દરમિયાન હીરા ઉદ્યોગકારો માટે સેફ ડીપોઝીટ વોલ્ટ કામ હોય તેમના માત્ર દર સોમવારે અને શુક્રવારે બપોરે ૨.૦૦ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી વરાછા મીની હીરા બજાર, વરાછા ચોકસી બજારમાં આજે સવારથી જ બંધને પગલે સન્નાટો છવાયેલો જણાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા સુરતના હીરા ઉદ્યોગમાં સ્વૈચ્છીક બંધની સ્થિતિ સર્જાઈ છે. સુરત મહાનગરપાલિકાના કડક નિયમો અમલ કરવાના હોવાથી હીરાના નાના યુનિટ લગભગ બંધ હાલતમાં માત્ર મોટા યુનિટો કાર્યરત છે. હજારો હીરાના કારખાના બંધ થઈ જતા લાખો હીરાના કારીગરો વતન ઉપડી જતા સમગ્ર હીરા ઉદ્યોગ સ્વૈચ્છીક બંધમાં ભારે પ્રભાવિત બન્યો છે.