વરુણ ધવનની બ્રાન્ડ વેલ્યૂ વધારશે એકતા કપૂર

મુંબઈ: કોરોના વાયરસને લીધે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીનું કામકાજ છેલ્લા ઘણા સમયથી ઠપ થઈ ગયું હતુ. પરંતુ હવે ગાડી ધીમે ધીમે પાટા પર આવી રહી છે. ટેલિવિઝન સિરિયલોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. પરંતુ ફિલ્મોનું શૂટિંગ હજી સુધી શરૂ નથી થયું. ભલે શૂટિંગ શરૂ નથી થયું પણ ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુશનનું કામકાજ ચાલુ જ છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, વરુણ ધવનની બ્રાન્ડ વેલ્યૂ વધારવા માટે એકતા કપૂરે નવા વર્ષના પહેલા દિવસે રિલીઝ થતી ‘કુલી નંબર વન’ના ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ ખરીદી લીધા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી અભિનેતા વરૂણ ધવનની બ્રાન્ડ વેલ્યૂ ઓછી થઈ રહી છે. તેની વેલ્યૂ વધારવા માટે ફિલ્મ ‘કુલી નંબર વન’ના ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ બાલાજી મોશન પિક્ચર્સે ૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. આ ડીલ લોકડાઉન પહેલાં જ થઈ ગઈ હતી.
વરૂણ ધવનના પિતા ડેવિડ ધવન દિગ્દર્શિત આ ફિલ્મ પહેલી મેના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લાૅકડાઉનને લીધે સિનેમાઘર બંધ હોવાથી ફિલ્મ રિલીઝ કરવામાં નહોતી આવી. અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેવી ચર્ચા હતી. પરંતુ થોડાક સમય પહેલાં જ ડેવિડ ધવને સ્પષ્ટતા કરી હતી કે ફિલ્મ થિયેટર્સમાં જ રિલીઝ થશે. ફિલ્મ આવતા વર્ષે પહેલી જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ ૧૯૯૫માં આવેલી ફિલ્મ ‘કુલી નંબર વન’ની રીમેક છે.