વર્ક ટૂ હોમ કરનાર વેપારીને ટેક્સનું તોતિંગ બિલ મળ્યું
અમદાવાદ , કોરોના આવ્યો ત્યારથી ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, ત્યારે સિરામિકના એક વેપારીને ઘરને જ ઓફિસમાં ફેરવવા બદલ તગડું પ્રોપર્ટી ટેક્સ બિલ ફટકારવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓને વેપારીના ઘર બહાર જ સિરામિક આઈટમ્સનું ડિસ્પ્લે દેખાતા ઘરનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થાય છે તેવું માનીને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ટેક્સની જગ્યાએ કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ માટે બિલ મોકલવામાં આવ્યું હતું. નરોડામાં રહેતા વેપારી સુરેશ તાહિલાનીને કોર્પોરેશન દ્વારા એમ પણ જણાવાયું છે કે તે પોતાના ઘરનો ઓફિસ તરીકે ઉપયોગ કરવાનું બંધ કરી દે.
લોકડાઉન દરમિયાન તાહિલાનીએ ઘરનો નાનકડો ભાગ ઓફિસમાં ફેરવી નાખ્યો હતો. જેને અગાઉની સ્થિતિમાં ફેરવવા માટે કોર્પોરેશન દ્વારા જણાવાયું છે. તાહિલાનીએ ઘરને ઓફિસ તરીકે વાપરવાનું બંધ કરી દીધું હોવા છતાંય તેમને કોર્પોરેશનની નોટિસ સામે સિવિલ કોર્ટમાં જવું પડ્યું છે. હાલ કોર્ટે આદેશ આપ્યો છે કે કોર્પોરેશન પોતાના વલણને સ્પષ્ટ ના કરે ત્યાં સુધી આ મામલે કોઈ પગલાં લેવામાં ના આવે. આ વેપારીએ નરોડામાં જે ઘર ખરીદ્યું હતું, તેને તોડીને ૨૦૧૬માં નવું ઘર બનાવ્યું હતું. ગયા વર્ષે તેમણે તેના રેસિડેન્શિયલ યુઝ માટે બીયુ પરમિશન મેળવી હતી. છેલ્લા બે વર્ષથી તેઓ પોતાની આ પ્રોપર્ટી પર રેસિડેન્શિયલ ટેક્સ ભરે છે. જાેકે, આ વર્ષે જુલાઈમાં તેમને વર્ષ ૨૦૧૯-૨૦ માટે કોમર્શિયલ ટેક્સ ભરવા માટે કહેવાયું હતું, કારણકે આ ઘરમાં ઓફિસ ચલાવાતી હોવાનું કોર્પોરેશનના અધિકારીઓના ધ્યાને આવ્યું હતું.
તાહિલાનીને કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ ભરવામાં કોઈ વાંધો નહોતો, પરંતુ કોર્પોરેશને તેમને ઘર અગાઉ જેવી સ્થિતિમાં હતું તેવી જ સ્થિતિમાં ફેરવી દેવા માટે નોટિસ ફટકારી હતી. જે મામલે તેમણે ત્રણ વર્ષ પહેલા નવા બનાવેલા ઘરની બીયુ પરમિશન કેવી રીતે મેળવી છે તે અંગેની વિગતો સાથે લેખિતમાં જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઘરનો નાનકડો ભાગ લોકડાઉન દરમિયાન ઓફિસ તરીકે ઉપયોગમાં લેવાયો હતો, જ્યાં સિરામિક આઈટમ્સનું બોર્ડ લગાવાયું હતું. જાેકે, કોર્પોરેશને તેમના જવાબની કોઈ પ્રતિક્રિયા ના આપતા તેમણે સિવિલ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અમપાના કમિશનર મુકેશ કુમારના જણાવ્યા અનુસાર, વર્ક ફ્રોમ હોમનો મતલબ એવો નથી કે તમે ઘરમાં જ દુકાન ખોલી દો. કોર્પોરેશન ઘરને કોમર્શિયલ પ્રોપર્ટીમાં ફેરવવા માટે મંજૂરી આપે છે, પરંતુ તેની એક પ્રક્રિયા હોય છે. જાે કોઈ વ્યક્તિ આ અંગે કોઈ અરજી ના કરે અને તેના વિના જ ઘરનો કોમર્શિયલ ઉપયોગ શરુ કરી દે તો પછી કોર્પોરેશન કાયદા અનુસાર કાર્યવાહી કરે છે.SSS