વર્ક ફ્રોમ હોમ આપી પૈસા પડાવતી પ યુવતી સહીત ૬ જણની ગેંગ ઝડપાઈ
પોલીસ ફરીયાદ ન થાય એટલે નાની રકમનું ફ્રોડ કરતાં- ૧૭૦૦થી વધુ ભોગ બન્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના મહામારીને પગલે કેટલાય નાગરીકો બેકાર બન્યા છે તેનો ફાયદો ઉપાડી ગઠીયાઓ નોકરી અને કામ આપવાના બહાને છેતરપીંડી દ્વારા રૂપિયા પડાવી રહયા છે. વટવમાં રહેતા એક યુવાન સાથે પણ આવી ઘટના બની હતી જેણે જાેબવર્ક મેળવવા રૂપિયા ભર્યા બાદ ગઠીયાઓએ ફોન બંધ કરી દીધા હતા પરંતુ જાગૃત યુવાને ફરીયાદ નોંધાવતા સુરતથી પાંચ યુવતીઓ સહીત છ જણની ગેંગને પકડી લેવાઈ છે.
વટવા વિસ્તારમાં રહેતા અયાઝ નામના યુવાને બેરોજગાર હોવાને લીધે કવીકર નામની વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવતા આરાધ્યા પટેલ નામની યુવતીએ ઘરે બેઠા ડેટા એન્ટ્રી કરી પૈસા કમાવવાની ઓફર કરી હતી જે પેટે ૯૯૯ રૂપિયા ઓનલાઈન ભરાવડાવ્યા હતા બાદમાં તેમના ઈમેઈલ પર જાેબવર્ક મોકલી આપ્યુ હતું પરંતુ ત્યારબાદ રૂપિયા માટે ગલ્લા તલ્લા કરીને અયાઝભાઈના ફોન ઉપાડવાનું બંધ કરતા તેમણે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી.
જેની તપાસ પીઆઈ પુવારની ટીમે શરૂ કરતાં સુરત ઉત્તરાણ વિસ્તારનું લોકેશન મળ્યુ હતું જયાં વોચ ગોઠવીને (૧) હાર્દીક વડાલીયા (ર૪) રાજલક્ષ્મી સોસા. ડભોલી (ર) રૂચીતા નારોલા (ર૪) પુનાગામ, સુરત (૩) પ્રિયંકા ડાભી (ર૦) સાયણ, સુરત (૪) રૂપલ ટાંક (ર૦) હિરાબાગ, સુરત (પ) મોનીકા કથેરીયા (ર૪) લજામણી ચોક, સુરત તથા (૬) ભુમીકા કથેરીયા (રપ) લજામણી ચોકને ઝડપી લીધા હતા.
ઠગ ટોળકીનો મુખ્ય સુત્રધાર હાર્દીક બે બેંકમાં ફ્રોડના રૂપિયા નખાવતો હતો બાદમાં બંને ખાતામાંથી રૂપિયા ઉપાડી તેની માતાના બેંક ખાતામાં જમા કરાવતો હતો જયારે પાંચ છોકરીઓ ટાર્ગેટને ફોન કરી રૂપિયા પડાવતી હતી.
તપાસમાં હાલ સુધીમાં ૧૭૦૦થી વધુ નાગરીકો સાથે આવી ઠગાઈ થયાનું બહાર આવ્યું છે આ ટોળકી સાતસોથી એક હજાર રૂપિયા સુધીની છેતરપીંડી આચરતી હતી જેની પાછળ નાની રકમ માટે કોઈ પોલીસ ફરિયાદ ન કરે તેવો તેમનો હેતુ હતો.
હાર્દીક અને તેની ગેંગે હાલ સુધી કરેલી સાડા સત્તર લાખ રૂપિયાની ઠગાઈ બહાર આવી છે પોલીસે ૧૧ મોબાઈલ, ટેબલેટ, બે લેપટોપ, ૩ પેન ડ્રાઈવ, ૪૧ સીમકાર્ડ, ૧૮ ડેબીટ કાર્ડ જપ્ત કર્યાં છે. પાંચ છોકરીઓ ઠગાઈ કરતા ઝડપાતા પોલીસ પણ હેરાન છે. આ પાંચમાં બે બહેનો સામેલ છે.