વર્ક ફ્રોમ હોમ કરનારાનો પગાર નહીં કાપવામાં આવે
નવી દિલ્હી: સરકારી કર્મચારીઓ માટે ૨૦૨૧નું વર્ષ સારૂ સાબિત થઈ રહ્યું છે કારણ કે મોદી સરકાર તેમના પર સંપૂર્ણપણે મહેરબાન છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, તે કર્મચારીઓના ભથ્થા અને અન્ય પર્ક્સમાં કોઈ જ કાપ નહીં મુકે. રાજ્યસભામાં રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીએ પોતે જ આ અંગે જાહેરાત કરી હતી. હકીકતે સરકારી કર્મચારીઓના ભથ્થામાં કાપ મુકાશે તેવો ડર હતો. તેમના આ ડરને દૂર કરવા માટે રાજ્યસભાના એક સદસ્યએ રાજ્ય નાણા મંત્રીને આ અંગેનો સવાલ પુછી લીધો હતો.
કોવિડ મહામારીના કારણે લોકડાઉન દરમિયાન અનેક સરકારી વિભાગોમાં વર્ક ફ્રોમ હોમ અપનાવવામાં આવ્યું હતું. મતલબ કે કર્મચારીઓ ઘરેથી જ કામ કરી રહ્યા હતા. આ કારણે કર્મચારીઓને લાગતું હતું કે, સરકાર તે સમય દરમિયાનનું ટ્રાન્સપોર્ટ અલાઉન્સ પાછું લઈ શકે છે. આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે પંકજ ચૌધરીએ સરકાર આવું કશું નથી વિચારી રહી તેવો જવાબ આપ્યો હતો.
મંત્રીએ જણાવ્યું કે, સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ-પેન્શનર્સ સંબંધી ૧ જુલાઈ, ૨૦૨૧થી મોંઘવારી ભથ્થા-મોંઘવારી રાહતના હપ્તા બહાર પાડી દીધા છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને જુલાઈ ૨૦૨૧થી ૨૮ ટકાના દરે (૧૭ ટકા વર્તમાન દર ઉપર ૧૧ ટકા) પર મોંઘવારી ભથ્થું-મોંઘવારી રાહતની રકમ મળશે. વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર અને કર્મચારીઓના વેતન અને ભથ્થા સંબંધી વાત છે તો ૭મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પહેલેથી જ લાગુ કરી દેવાઈ છે.