વર્લ્ડ ડિસેબિલીટી ડે :અમદાવાદ સિવિલ હોસ્પિલમાં બાહોશીથી કોરોના ડ્યુટી નિભાવતા દિવ્યાંગ કર્મીઓ
મને શારિરીક દિવ્યાંગતા છે પરંતુ માનસિક નહીં :ડૉ.કિશોર કારિયા
રાજ્યના છેવાડાના નાગરિક સુધી ટેલિમેન્ટરીંગ સેવા થકી કોરોનાની જાણકારી પહોંચાડી રહ્યા છે દિવ્યાંગ તબીબ ડૉ. બીપીન અમીન
દર્દીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં શીફ્ટ કરવા લીફ્ટમેન તરીકેની અહમ ભૂમિકા નિભાવતા લીફ્ટમેન ગીરીશ ગોહિલ
સમગ્ર વિશ્વમાં સને ૧૯૯૨થી ૩જી ડિસેમ્બરના રોજ વિશ્વ અક્ષમતા દિવસ(વર્લ્ડ ડિસેબિલીટી ડે) ઉજવવામાં આવે છે. વિશ્વની ૧૫ થી ૧૭ ટકા વસ્તી ડિસેબીલીટી અનુભવી રહી છે. શારિરીક અથવા માનસિક અક્ષમતા ધરાવતા લોકોને આ દિવસ સમર્પિત કરવામાં આવે છે.
કોરોના મહામારી વચ્ચે આવેલા વર્લ્ડ ડિસેબિલીટી ડે ૨૦૨૦ની થીમ “બિલ્ટ, બેક અને બેટર” રાખવામાં આવી છે. અક્ષમતા ધરાવતા લોકો તેમનામાં રહેલી અક્ષમતાને નબળાઇ નહીં પરંતુ તેમની તાકાત બનાવે, તેને સુધારવાની દિશામાં પ્રયત્નો કરવા તે માટે આ થીમ રાખવામાં આવી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ શારિરિક કે માનસિક રીતે અપંગ લોકોને દિવ્યાંગ તરીકેની આગવી ઓળખ આપવામાં આવી છે. કોરોના મહામારીનો કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે તેના સામે ઘણાંય કોરોના વોરીયર્સ જંગ લડી રહ્યા છે. ખાસ કરીને તબીબો સતત કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી રહ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં પણ ઘણાય દિવ્યાંગ તબીબો કે જેઓ દેહથી ભલે દિવ્યાંગ છે પરંતુ મનથી મકક્મ રહીને કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા માટે કાર્યરત છે. અમદાવાદ સિવિલમાં ૫૦ દિવસથી પણ વધુ સમય કોરોના ડ્યુટી કરી રહ્યા ઇન્ટર્ન તબીબ કિશોર કારીયા તેમાંના એક છે . સરકારી દિશાનિર્દેશ પ્રમાણે દેહથી દિવ્યાંગ હોવાના કારણે કોરોનાની ફરજમાંથી મુક્તિ આપવાની જોગવાઇ છે. પરંતુ કિશોર કારીયા એવા તબીબ છે કે જેઓએ સહજ ભાવે સામે ચાલીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવા ડયુટી સંભાળી છે.
કિશોર કારીયાને કાઇફોસ્કોલિયોસિસ થયુ હોવાના કારણે તેમના પગમાં દિવ્યાંગતા આવી છે . જે કારણોસર સતત વધુ ચાલે ત્યારે તેમને તકલીફ પડતી હોય છે પરંતુ કિશોર કારીયા તેના જુસ્સાના કારણે સતત બાહોશીપુર્વક કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા જોવા મળે છે. કિશોર ભાઇએ કોરોનાવોર્ડમાં આઇ.સી.યુ. તેમજ નોન આઇ.સી.યુ.માં ૫૦ દિવસથી પણ વધુ સમય સુધી ડ્યુટી કરી છે. આ દરમિયાન સંપૂર્ણપણે સાવચેતી સાથે તેઓ ફરજનિષ્ઠ રહ્યા છે. જે કારણોસર જ કોરોનાનો રીપોર્ટ કરાવતા તે નેગેટીવ આવ્યો હતો.
આવા જ અન્ય એક તબીબ પ્રોફસર અને વડા મેડિસીન વિભાગ ડ઼ૉ.બીપીન અમીન કે જેઓ ૯૦ ટકા જેટલી દિવ્યાંગતા ધરાવે છે. તેઓને રાજ્યકક્ષાએ જિલ્લા તેમજ તાલુકા સ્તર સુધી કોરોના સંલ્ગન ટેલીમેન્ટરીંગ સેવાઓની જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં નાગરિકોને ઘેર બેઠા કોરોના વિશેની માહિતી પહોંચે તે માટે ડૉ. અમીનના વડપણ હેઠળ વિવિધ ટીમ કામ કરી રહી છે. જેમાં કોરોનાની સારવાર દરમિયાન શું કાળજી રાખવી, કોરોનાથી બચવાના ઉપાયો વિશેની જાણકારી આપવામાં આવે છે.
રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેલા દર્દી કે જેઓ કોરોનાની જાણકારી મેળવવા ઇચ્છતા હોય તેઓને ઘેર બેઠા ટેલિફોન મારફતે કોરોના સંલગ્ન તમામ જાણકારી આપવાની અહમ ભૂમિકા ડૉ. અમીન અને તેમની ટીમ દ્વારા નિભાવવામાં આવી રહી છે.
સિવિલ હોસ્પિટલના અન્ય એક કર્મી ગિરીશ ગોહિલ કે જેઓ છેલ્લા ૪ વર્ષથી લીફ્ટમેન તરીકેની સરાહનીય સેવાઓ આપી રહ્યા છે તેઓ કહે છે કે હું બાળપણથી જ પોલીયોગ્રસ્ત હોવાના કારણે હલન-ચલનમાં તકલીફ અનુભવતો હતો. આ તકલીફ શારીરીક પડકાર આપતી પરંતુ માનસિક ક્યારેય હાર માની નથી.
છેલ્લા ચાર વર્ષથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લિફ્ટમેન તરીકે સેવાઓ આપી રહ્યો છુ.અહીં દર્દીને એક વોર્ડ માંથી અન્ય વોર્ડમાં લાવવા લઇ જવા માટે કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે લિફ્ટમેન તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું.
સિવિલ હોસ્પિટલ સુપ્રીનટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી કહે છે કે, અમારી કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં તેમજ સિવિલ હોસ્પિટલમાં અ ત્રણેય દિવ્યાંગ કર્મીઓએ પોતાની ફરજ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા થી સાબિત કર્યુ છે કે તેઓ દેહથી ભલે દિવ્યાંગ છે પરંતુ મનથી મકક્મ છે. આઇ.સી.યુ.મા દર્દીઓની મુલાકાત વેળાએ મને કિશોર કારીયાની કામગીરી ધ્યાને આવી હતી. દિવ્યાંગ તબીબને ફરજ દરમિયાન કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટેની સંપૂર્ણ કાળજી સિવિલ હોસ્પિટલ દ્વારા રાખવામાં આવી છે.