વર્લ્ડ પીસ રેલી ૨૦૧૯નું અમદાવાદના ગાંધી આશ્રમથી પ્રસ્થાન
વર્લ્ડ પીસ રેલી ગાંધી આશ્રમથી આંબેડકર હાઉસ લંડન પહોંચીને ૧૫મી ઓગસ્ટે ધ્વજવંદન કરશે
મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિના વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં શ્રી સાંઇ ટ્રસ્ટ મહિલા અને બાળ કલ્યાણના સહયોગથી ગાંધી આશ્રમ થી આંબેડકર હાઉસ લંડન સુધીની રેલીનુ આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીને આજ રોજ ગાંધી આશ્રમ થી રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. જેનો મુળ ઉદ્દેશ એ છે કે સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધીજી અને ડો.બાબાસાહેબ આંબેડકરના શાંતિનો સંદેશાનો ફેલાવો થાય.
આ વર્લ્ડ પીસ રેલી માં ૧૦ ગાડીઓ અને ૩૦ લોકો જોડાયા છે. જેઓ રેલી દ્વારા ૧૦૫ શહેર અને ૧૫ દેશોમાં ફરીને ૧૫મી ઓગસ્ટે લંડન આંબેડકર હાઉસ ખાતે ધ્વજવંદન કરશે. રેલીને પ્રસ્થાન કરાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ભારતના બે મહામાનવ મહાત્મા ગાંધીજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના પ્રેરણાદાયી જીવનના શાંતિના સંદેશને જન – જન સુધી પહોંચાડવાનું આ એક ભગીરથ કાર્ય છે.
મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતીનું આ વર્ષ છે ત્યારે શાંતિના મસીહા એવા ગાંધીજીના હૃદયકુંજથી આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે તે ગર્વની વાત છે. તેની પૂર્ણાહુતિ ભારતીય સંવિધાનના રચયિતા ડો.બાબાસાહેબ આંબેડકર જ્યાં રહેતા હતા તે લંડન સ્થિત નિવાસ સ્થાને કરવામાં આવશે જ્યાં રહીને તેમણે અભ્યાસ કર્યો હતો. વિશ્વમાં સૌથી મોટું અને લાંબુ લેખિત ભારતીય સંવિધાનની રચના કરીને અર્પણ કર્યું હતું. એવા વિશ્વવિભૂતિના પવિત્ર સ્થાને ૧૫મી ઓગસ્ટ ૨૦૧૯ ના દિવસે ધ્વજવંદન કરવામાં આવશે એ ક્ષણ ભારત માટે ઐતિહાસિક બની રહેશે.
મહાત્મા ગાંધીજી અને ડો.બાબાસાહેબ આંબેડકર શાંતિ, માનવતા અને ભાઇચારાના સિદ્ધાંતને વરેલા હતા અને આજે દુનિયા તેમના પથ પર ચાલે છે .જેના થકી આજે સમગ્ર વિશ્વમાં ભારતની એક આગવી અને અલગ ઓળખ ઊભી થઈ છે. દુનિયાની સર્વ પ્રથમ વિશ્વશાંતિ રેલી યોજવા માટે રાજ્યપાલશ્રીએ સાંઈ વેલફેર ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતાં તથા શાંતિદૂતના રૂપમાં આ રેલી સફળતા પ્રાપ્ત કરશે એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સાંઈ વેલફેરના ટ્રસ્ટીશ્રી એ.કે. પવારે જણાવ્યું હતું કે, આ એક એવી ઐતિહાસિક રેલી છે કે જે ૧૭ હજાર કિલોમીટરની યાત્રા કરશે અને ૧૨ ઓગસ્ટના દિવસે લંડન પહોંચીને ૧૫ મી ઓગસ્ટે આંબેડકર હોલમાં ધ્વજવંદન કરશે. રેલીમા રિટાયર્ડ સરકારી ઓફિસર વ્યવસાયીઓ ભારતીય સેના વાયુસેના મહારાષ્ટ્ર અને ગુજરાત શહીદોના બાળકો દિવ્યાંગજનો જોડાયા છે તથા ઇન્ડિયન આર્મી, સીઆરપીએફ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, યુપી પોલીસ ઓફિશિયલ પાર્ટનર બન્યા છે.
આ એક ઉત્કૃષ્ટ પહેલ છે એમ જણાવતા સીઆરપીએફના ડીઆઇજી શ્રી કે. એમ .યાદવે વધુમાં જણાવ્યું કે ભારત આ રેલી દ્વારા શાંતિનો સંદેશ સમગ્ર વિશ્વને આપશે. પુલવામા હુમલામાં શહિદ થયેલા જવાનોના ૫ બાળકોને પણ આ રેલીમાં સામેલ કરવામાં આવ્યા છે અને શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ પ્રસંગે શ્રી સાંઈ વેલફેર ટ્રસ્ટના પદાધિકારીઓ, ભારતીય સૈન્યના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.