વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને મળ્યો 2020નો નોબલ શાંતિ એવોર્ડ
નવી દિલ્હી, નોર્વે (Norway)ની નોબલ કમિટી (Nobel Committee)એ શુક્રવારે આ વર્ષના નોબલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize) વિજેતાની જાહેરાત કરી દીધી છે. આ વર્ષનો નોબલ શાંતિ એવોર્ડ યુએનના વર્લ્ડ ફૂટ પ્રોગ્રામને આપવામાં આવ્યો છે. નોબલ શાંતિ પુરસ્કારના ઇતિહાસમાં આ ચોથી ઘટના છે જ્યારે 300થી વધારે ઉમેદવારી આવી હતી. આ સન્માન માટે પ્રેસ ફ્રીડમ જૂથ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization) અને પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગ (Activist Greta Thunberg)મજબૂત દાવેદાર હતા. જોકે, જ્યૂરીએ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને પુરસ્કાર માટે પસંદ કર્યું હતું. પુરસ્કાર માટે નામની પસંદગી કરનાર કમિટીએ દુનિયાભરમાં લોકોના પેટની ભૂખ ભાંગવા માટે પીડિતોની મદદ કરતા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની ભૂમિકાનિ મહત્ત્વની ગણાવી હતી.
નૉર્વેની નોબલ કમિટીના અધ્યક્ષ બેરિટ રાઇસ એન્ડર્સને જણાવ્યું કે, 2019માં 88 દેશના આશરે 10 કરોડ લોકો સુધી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની સહાય પહોંચી હતી. WFP આખી દુનિયામાં ભૂખ મીટાવવા અને ખાદ્ય સુરક્ષામાં વધારો કરનાર સૌથી મોટું સંગઠન છે. જોકે, આ વખતે એવોર્ડની જાહેરાત વખતે એસ્લો નોબલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પત્રકારોનો જમાવડો જોવા મળ્યો ન હતો. કોરોનાને કારણે બહુ ઓછા લોકો હાજર રહ્યા હતા.
નોબલ શાંતિ એવોર્ડ માટે આ વર્ષે 318 ઉમેદવારી આવી હતી. જેમાં 211 વ્યક્તિ અને 107 સંસ્થા સામેલ છે. જોકે, આ યાદીમાં સામેલ નામને 50 વર્ષ સુધી ગુપ્ત રાખવામાં આવે છે. આથી એ અંદાજ લગાવવા મુશ્કેલ હોય છે કે એવોર્ડ કોને મળશે. જે લોકો પુરસ્કાર માટે નોંધાયેલા હોય તેઓ ઇચ્છે તો તેમનું નામ જાહેર કરી શકે છે.