વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ગૌરવવંતુ સ્થાન પામેલી પાટણની રાણકી વાવની મુલાકાત લેતા મુખ્યમંત્રી
રાણકી વાવ ઐતિહાસિક નજરાણું: ભારતના ભવ્ય વારસાના દર્શન થયા :મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સાઈટ માં સ્થાન પામેલી પાટણની રાણીની વાવની મુલાકાત લીધી હતી
યુનેસ્કો એ જાહેર કરેલી વર્લ્ડ હેરિટેઝ સાઇટમાં સ્થાન પામેલી વિશ્વ વિરાસત પાટણની રાણીની વાવની મુલાકાત પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ વિરાસત માં તાજેતરમાં સ્થાન મેળવેલા ધોળાવીરા ની પણ ગત સપ્તાહે કચ્છમાં મુલાકાત લીધી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે આ રાણકી વાવ ના ઐતિહાસિક ભવ્ય વારસાની પ્રશંસા કરતા વિઝીટર બુકમાં લખ્યુ કે, આજે ઐતિહાસિક નજરાણું પાટણની રાણીની વાવને નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે
.ભારતની પ્રાચીન ભવ્યતાના દર્શન થયા છે તેનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી યુનેસ્કો દ્વારા રાણીની વાવને વૈશ્વિક ધરોહરનો દરજ્જો પ્રાપ્ત થયો છે
આ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે.આવનારા દિવસોમાં આવા વિરાસત સ્થાનોને યોગ્ય માન સન્માનથી શ્રી નરેન્દ્રભાઇ ના નેતૃત્વમાં દિવ્ય અને ભવ્ય ભારત નું નિર્માણ થશે તેવી તેમણે કામના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળા પ્રદેશ સંગઠનના મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, પ્રભારીશ્રી ગોવિંદભાઈ પટેલ તથા સંગઠનના બળવંતસિંહ રાજપૂત, નંદાજી ઠાકોર સહિતના અગ્રણીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.