Western Times News

Gujarati News

વર્લ્ડ હેરીટેજ રાણીકી વાવની મુલાકાત લેતા કેન્દ્રિય રાજ્યમંત્રી પ્રહલાદસિંઘ પટેલ

પાટણ:પાટણ ખાતે શિલ્પ અને સ્થાપત્યના બેજોડ નમૂનારૂપ રાણીકી વાવને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી છે ત્યારે ટુરીઝમ અને કલ્ચર વિભાગના કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી પ્રહલાદસિંઘ પટેલે રાણીકી વાવ નિહાળી આ મૂલ્ય વારસાની પ્રશંસા કરી હતી.

કેન્દ્રિય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ, આપણા ઈતિહાસ અને વાસ્તુકળાને પુનઃસ્થાપિત કરવાનું કામ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તેનું આ પ્રતિષ્ઠિત ઉદાહરણ છે. સંભવતઃ કોઈ યંત્રોની મદદ વગર ૧૧મી સદીમાં બાંધવામાં આવેલી સ્થાપત્યના બેજોડ નમૂનારૂપ વાવ તે સમયના શિલ્પ કારીગરોના કૌશલ્યને ઉજાગર કરે છે. રાણીકી વાવમાં આપણા પૂર્વજોએ કઈ રીતે રોજીંદા કામની સાથે સંસ્કૃતિ અને પરંપરાને વણી લીધી છે તે આવનારી પેઢીએ સમજવાની જરૂર છે.

રાણીકી વાવની વિઝીટર બુકમાં કેન્દ્રિય મંત્રીશ્રીએ નોંધ્યું કે, રાણીકી વાવ પાટણને જોવાનો અવસર પ્રાપ્ત થયો કે જે પુરાતત્વ સંરક્ષણની મિસાલ છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વાસ્તુકળાની આ ધરોહરને પુનઃસ્થાપીત કરવા ભારતીય પુરાતત્વ પરિવારને અભિનંદન.

કચ્છ ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રવાસન મંત્રી પરિષદમાં ઉપસ્થિત રહેનાર ટુરીઝમ અને કલ્ચર વિભાગના કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી પ્રહલાદસિંઘ પટેલ મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિરની મુલાકાત બાદ આજે પાટણ ખાતે રાણીકી વાવની સપરીવાર મુલાકાતે આવ્યા હતા. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી રાણીકી વાવની સ્થાપત્ય કળા અને બેનમૂન શિલ્પ કારીગરી જોઈ કેન્દ્રીય મંત્રીશ્રી અભિભૂત થયા હતા. મંત્રીશ્રીએ વાવના સંવર્ધન અને સંરક્ષણની ઉત્કૃષ્ટ કામગીરી માટે ભારતીય પુરાતત્વ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. રાણીકી વાવની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીશ્રીએ વાવના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.