Western Times News

Gujarati News

વર્ષ પહેલાં લગ્નનું નાટક કરી નાસી ગયેલી લૂંટારૂં દુલ્હન પકડાઈ

સુરત, એક વર્ષ પહેલા સુરતમાં લગ્નનું નાટક કરીને ફરાર થઈ ગયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ છે. લગ્ન ઈચ્છુક પરપ્રાંતીય યુવકને છેતરીને સુરત બોલાવ્યા બાદ તેની પાસેથી દાગીના અને રૂપિયા પડાવ્યા બાદ ફરાર થઈ ગઈ હતી. દુલ્હન તથા તેની સાથે રહેલી નકલી સગાની ટોળકી સાથે મળીને કર્ણાટકના વેપારીને ૧.૯૬ લાખનો ચુનો લગાવ્યો હતો. નકલી દુલ્હનની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા પણ થયા છે.

કર્ણાટકના વેપારી અંકિત શાંતિલાલ જૈન કે જેઓ લગ્ન ઈચ્છુક હતા અને તેવામાં વચેટિયો બનેલા સતિષ પટેલે સુરતની ૨૩ વર્ષની સ્વાતિ નામની છોકરી હોવાનું જણાવ્યું હતું. વેપારીને આ છોકરી ગમી અને વાત આગળ વધારી પછી તેમને ખબર નહોતી કે જે છોકરી ભોળી અને સુંદર લાગે છે તે જ તેમને ચૂનો લગાવશે. સ્વાતિ અને તેની ઠગ ટોળકીના પ્લાન પ્રમાણે અંતિમ લપેટાતો જતો હતો.

લગ્ન પહેલા સ્વાતિના ભાઈ હિતેષે સતિષ પાસેથી રોકડા ૧.૫૦ લાખ, વચેટિયાએ ૧૫ હજાર અને અંકિતના માતાએ ઘરની વહુ બનનારી સ્વાતિના માતાએ શુકનમાં કિંમતી ઘરેણા પણ આપ્યા હતા.
આમ બધુ મળીને અંકિત તરફથી સ્વાતિની ટોળકીને ૧.૯૬ લાખ રૂપિયા રોકડ અને ઘરેણા સ્વરૂપે મળ્યા હતા. આ પછી પાછલા વર્ષે જૂન મહિનામાં લગ્નનું આયોજન તાપી નદીના કિનારે આવેલા મંદિરમાં લગ્ન કરી લીધા હતા.

ફૂલહાર સાથે લગ્ન કર્યા બાદ અહીંથી વચેટિયો, સ્વાતિનો ભાઈ બનેલો હિતેષ સહિતના લોકો રવાના થઈ ગયા હતા. લગ્ન થઈ ગયા બાદ અંકિત નવી પત્ની સ્વાતિને લઈને કારમાં મામાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન વોશરૂમ જવાનું બહાનું કરીને સ્વાતિ પણ કારમાંથી ઉતરીને ફરાર થઈ ગઈ હતી.

આ ઘટના બાદ કર્ણાટકના વેપારીને ચૂનો લગાવનાર દુલ્હન અને તેની ટોળકીને ઝડપી લેવા માટે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પાછલા વર્ષે બનેલી ઘટના અંગે લૂંટેરી દુલ્હનને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.

આવામાં પોલીસને બાતમી મળી હતી કે સ્વાતી ગણેશ હિવરાલે નામની લૂંટેરી દુલ્હન સુરતના રેલવે સ્ટેશન પાસે છે. બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે દુલ્હનને પકડી લીધી છે. દુલ્હન પકડાયા બાદ પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. લૂંટેરી દુલ્હન મહારાષ્ટ્રના ઔરંગાબાદના માળીવાડાની રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે.

સ્વાતિ નામની લૂંટેરી દુલ્હન સુરતમાંથી પકડાયા પછી પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરી તેમાં મોટા ખુલાસા થયા છે. સ્વાતિએ લગ્નની લાલચમાં પાંચ અન્ય યુવકોને ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્વાતિ સામે વર્ષ ૨૦૨૦માં કચ્છના રાપરમાં ૧.૮૦ લાખની છેતરપિંડી કરી હોવાનો ગુનો નોંધાયો છે, આ યુવતીએ મુંબઈ અને અમરેલીના યુવકોને પણ છેતર્યા છે. સ્વાતિનો ભાઈ બનીને આવેલો હિતેષ તેનો ભાઈ હોવાનું અને અન્ય સગા ખોટા ઉભા કર્યા હોવાનો પણ ભાંડો ફૂટ્યો છે.

લૂંટેરી દુલ્હનની ઠગ ટોળકી ડમી સગા ઉભા કરીને લગ્ન ઈચ્છુક યુવકોને ફસાવતી હતી. પોલીસ તપાસ દરમિયાન હજુ પણ વધુ કેટલાક ખુલાસા થવાની સંભાવના છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.