વર્ષ ૨૦૧૮ બાદ રાજ્ય સરકારની છ પરીક્ષાના પેપર ફૂટ્યાઃ યુવરાજસિંહ
સુરત,વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે આજે સનસનીખેજ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮ બાદ ગુજરાત સરકારની છ જેટલી પરીક્ષાના પેપર ફૂટી ગયા છે. એટલું જ નહીં, યુવરાજ સિંહ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, આ તમામ પેપર લીકની ઘટનાઓના પુરાવા તેમની પાસે છે.
તેમજ તેઓએ જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પ્રેસમાંથી જ પેપર લીક કરવામાં આવતા હતા. તેઓએ કહ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળમાં એજન્સીમાં કામ કરતો હાર્દિક પટેલ નામનો યુવક ખાલી ઓએમઆર શીટ ભરતો હતો.
અને આ રીતે અનેક ઉમેદવારો સરકારી પરીક્ષામાં પાસ થઈ ચૂક્યા છે અને અત્યારે નોકરી પર ફરજ બજાવી રહ્યા છે, તેવો આરોપ પણ યુવરાજ સિંહે લગાવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજ સિંહે કહ્યું હતું કે, પેપર લીકના ખુલાસા કરવાથી તેમના જીવને ખતરો છે.યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરતાં સૌપ્રથમ માહિતી ૧૨ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીકની આપી હતી.
તેઓએ કહ્યું હતું કે, પ્રાંતિજ ઉપરાંત ભાવનગરના પાલિતાણામાં પેપર લીક થયું હતું. પાલીતાણાના શ્રી બીસા હુમદ ભવનમાં ૨૨ લોકોને ભેગા કરીને પેપર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધોળકામાં પણ લીક થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ પેપર લીકમાં તુષાર મેર નામના વ્યક્તિની સંડોવણી હોવાનો આરોપ યુવરાજે લગાવ્યો હતો અને સાથે જ કહ્યું હતું કે, પ્રાતિંજમાં પેપર લીકનો મુખ્ય આરોપ દાનાભાઈ ડાંગરે જ આ પેપર આપ્યું હતું.
દાનાભાઈ હાલ જેલમાં છે, પણ તેનો સગો ભાઈ ઘનશ્યામ ડાંગર આ રેકેટ ચલાવતો હોવાનો આરોપ તેઓએ લગાવ્યો હતો. ધંધુકા-બગોદરા હાઈવે પર આવેલા લોલિયા ગામથી ૫૦૦ મીટર દૂર આવેલા એક સ્થળ પર ૭૨ ઉમેદવારોને બેસાડીને સબ ઓડિટરનું પેપર આપવામાં આવ્યું હતું, જેમાંથી ૨૨ લોકોના નામની ઓળખ થઈ છે. તેમાં જે ગાડીનો ઉપયોગ પેપર પહોંચાડવા કરાયો હતો તેની પણ ઓળખ કરાઈ છે.
૨૦૧૮માં હાઈકોર્ટ પ્યૂનની જે પરીક્ષા લેવાઈ હતી તેમાં ગેરરીતિ આચરવામાં આવી હતી, તેમાં પાસ થયેલા વ્યક્તિ હાલ પોતાની નોકરીમાં ફરજ બજાવી રહ્યા છે તેમજ તેઓ આ રેકેટ ચલાવી રહ્યા છે.૨૦૧૬ પછીની જે પણ સરકારી ભરતીની પરીક્ષાના પેપર ફુટ્યા છે, અને તેના માટે વિદ્યાર્થી દીઠ ૫-૧૫ લાખ રુપિયા ઉઘરાવાયા છે. જામનગર મ્યુ. કોર્પોરેશનનું એમપીએસડબલ્યુનું જે પેપર હતું તે પણ ચોટીલાથી લીક થયું હતું.
જેમાં એક શિક્ષકની સંડોવણી હતી, પેપરનો ભાવ ૫-૬ લાખ રુપિયા હતો. આ પેપર ૧૧ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. એએઈ મિકેનિકલની ભરતીનું પેપર પણ સુરેન્દ્રનગર ખાતે લીક થયું હતું, અને ઉમેદવારો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં સીધી ઓએમઆર ભરવામાં આવે છે.
ઉમેદવાર પરીક્ષામાં ઓએમઆર શીટ ખાલી મૂકીને આવે છે અને ત્યારબાદ ગૌણ સેવાની એજન્સીમાં કામ કરનારો હાર્દિક પટેલ નામનો વ્યક્તિ ઓએમઆર શીટ ભરતો હતો અને એક જ પેન દ્વારા ૧૨ ઉમેદવારોની ઓએમઆર ભરવામાં આવી હતી. હાર્દિકે ઘણા ઉમેદવારો પાસેથી ૧૫-૧૮ લાખ રુપિયાનું ઉઘરાણું કર્યું હતું. તેના મોબાઈલમાંથી આ સમગ્ર કાંડના પુરાવા મળી શકે તેમ છે તેવું પણ યુવરાજસિંહે જણાવ્યું હતું.
કૌભાંડમાં સામેલ લોકોથી પજીવનું જાેખમ હોવાનું જણાવતા યુવરાજસિંહે કહ્યું હતું કે આ તમામ લોકો વગદારો છે, અને જેટલા પણ હજુય ફરાર છે તેમની જલ્દીથી ધરપકડ કરવામાં આવે તેમજ તેમને યોગ્ય સજા કરવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગૌણ સેવાના લીક થયેલા પેપરો પ્રેસમાંથી સીધા જ લવાતા હતા.
ગૌણ સેવામાં હાલ નિમણૂંક પામેલા આઈએએસ એ.કે. રાકેશ સારી કામગીરી કરી રહ્યા છે. જાેકે, હાલ પંચાયતની પરીક્ષા લેવાઈ રહી છે જેમાં કેટલાક તત્વો એક્ટિવ છે તેમ પણ યુવરાજસિંહે જણાવ્યું હતું.SS2KP