વર્ષ 2019-20 દરમિયાન સરકારનું 1,05,000 કરોડ રૂપિયાના રોકાણનું લક્ષ્ય
વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટ માટે એર ઈન્ડિયાની દરખાસ્તો ફરી શરૂ કરાશે -ખાનગી ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી માટે કેન્દ્રીય જાહેર ઉદ્યોગોની સંખ્યામાં વધારો
નવી દિલ્હી, કેન્દ્રીય નાણાં તેમજ કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં 2019-20નું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરતા કહ્યું કે સરકારે 2019-20 દરમિયાન 1,05,000 કરોડ રૂપિયાના ડિસઈન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય નક્કી કર્યું છે. સરકાર વ્યૂહાત્મક રીતે જાહેર ક્ષેત્રના સાહસો વેચશે અને બિન-નાણાકીય ક્ષેત્રમાં જાહેર ઉદ્યોગોને મજબૂત બનાવશે.
તેમણે જણાવ્યું હતું કે સરકાર બિન-નાણાકીય જાહેર ક્ષેત્રમાં ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિ ચાલુ રાખશે. સરકાર 51 ટકા હિસ્સો જાળવી રાખશે. આવા સાહસો માટે અલગથી વિચાર કરવામાં આવશે, જ્યાં સરકારનો હિસ્સો 51 ટકાથી ઓછો હોય છે અને સરકાર તેના પર નિયંત્રણ જાળવી રાખવા માંગે છે. સરકારે 51 ટકા હિસ્સાની વર્તમાન નીતિમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે, તેના માટે 51% ભાગીદારીમાં સરકારી નિયંત્રિત સંસ્થાઓની ભાગીદારીનો પણ સમાવેશ કરવામાં આવશે.
નાણાં મંત્રીએ કહ્યું કે કેટલાક પસંદ કરેલા કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ સરકારની અગ્રતા રહેશે. સરકાર એર ઇન્ડિયાના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ફરીથી શરૂ કરશે અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં ભાગ લેવા માટે જાહેર ક્ષેત્રના સાહસોને પ્રસ્તાવ રજૂ કરશે.