વર્ષ 2021માં લાઈફ ઈન્સ્યોરન્સ, રિઅલ એસ્ટેટ ક્ષેત્રની કામગીરી સારી જોવા મળશે
મુંબઈ, અનેક ચડાવઊતાર વચ્ચે 2020નું વર્ષ બજાર માટે ઘણું જ ઉત્સુકતાભર્યું રહ્યું હતું. આ વર્ષમાં ખેલાડીઓમાં એકદમ નિરાશાવાદથી લઈને અતિ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. બજાર રોજેરોજ નવી ઊંચી સપાટી હાંસલ કરતું હતું ત્યારે રોકાણકારો વિમાસણમાં હતા, કારણ કે મૂલ્યાંકનો ઊંચા હતા પરંતુ અપેક્ષાઓ પણ વધુ હતી.
એક અંદાજ પ્રમાણે, નાણાં વર્ષ 2021-23 દરમિયાનની ચક્રવૃદ્ધિમાંથી લગભગ વૃદ્ધિ ટોપ-લાઈન તથા માર્જિનના વિસ્તરણને કારણે જોવા મળી રહી છે. રિઅલ એસ્ટેટ, લાઈફ ઈન્સ્યૂરન્સ તથા ધિરાણ ક્ષેત્રની કામગીરી 2021માં સારી રહેવા મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની ધારણાં રાખી રહી છે.
ધિરાણ ક્ષેત્રઃ ભારતના અર્થતંત્રમાં રિકવરી કરવી હશે તો, અર્થતંત્રની ધોરીનસ એવા ધિરાણ ક્ષેત્રમાં સુધારો શરૂ થવો જરૂરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ધિરાણ વૃદ્ધિ નબળી રહ્યાનું તથા અનેક બેન્કો તેમની એનપીએલને રાઈટ ઓફ્ફ કરી રહ્યાનું આપણે જોઈ રહ્યા છીએ. હવે કોર્પોરેટ એનપીએલ ભૂતકાળ બની ગઈ છે અને કોવિડની અસર અપેક્ષા કરતા નીચી રહી છે ત્યારે, ધિરાણ ક્ષેત્રમાં નફાનો વૃદ્ધિ દર અનેક વર્ષો બાદ ઝડપી રહેવાની શકયતા છે, જેમાં કોર્પોરેટ બેન્કની કામગીરી મુખ્ય હશે.
લાઈફ ઈન્સ્યોરન્સઃ લાંબા ગાળાથી આ એક પ્રગતિશીલ ક્ષેત્ર રહ્યું છે. નીચા વિસ્તરણ અને નવા સેગમેન્ટસના વિકાસને કારણે આ ક્ષેત્ર પ્રગતિશીલ રહ્યું છે. કોવિડને કારણે વીમા માટેની માગમાં થયેલા વધારાને જોતા, 2021માં અર્થતંત્રના વિકાસ સાથે આ ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી શકે છે.
રિઅલ એસ્ટેટઃ છેલ્લા એક દાયકાના મોટાભાગના વર્ષોમાં આ ક્ષેત્ર સતત તાણ હેઠળ રહ્યું છે. રેસિડેન્સિઅલ રિઅલ એસ્ટેટ માર્કેટસમાં વ્યાપક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. એ) નીચા વ્યાજ દરો બી) જંગી લિક્વિડિટી સી) પ્રોપર્ટીના ભાવમાં છેલ્લા 6 વર્ષથી સ્થિરતા તથા ડી) શ્રેષ્ઠ નિયમનને કારણેઆ ક્ષેત્રમાં સુધારાની ઉજળી તકો રહેલી છે. દરેક મંદી નવા પરિબળોને જન્મ આપે છે. કોવિડને કારણે જોવા મળેલા કેટલાક હકારાત્મક પરિબળો નીચે પ્રમાણે છેઃ
અર્થતંત્રમાં ડિજિટાઈઝેશનઃ વેચાણ હોય કે સંદેશવ્યવહાર કે પછી પેમેન્ટસ. ડિજિટલ મુખ્ય માધ્યમ બની ગયું છે. કેટલાક નવા મોડેલ્સનો વિકાસ થતો આપણને જોવા મળી શકે છે તથા આ ક્ષેત્રના જુના ખેલાડીઓને આ બદલાવથી લાભ થઈ રહ્યો છે. મૂડી ખર્ચઃ છેલ્લા પાંચ વર્ષથી ખાનગી મૂડી ખર્ચનો અભાવ જોવા મળી રહ્યો છે. નીચા વ્યાજ દર તથા અટકી પડેલી માગ ફરી નીકળવાને કારણે મૂડી ખર્ચમાં વધારો જોવા મળી શકે છે. સરકારે પણ રોજગાર નિર્માણ પર ધ્યાન આપવાનું રહેશે જેથી મૂડી ખર્ચમાં વધારો જોવા મળી શકે.
આ સૂચવે છે કે બજાર તેના પાયાના સ્તરે રિબાઉન્ડ થશે એટલું જ નહીં પરંતુ તેમાં સાઈકલિકલ સુધારો પણ જોવા મળશે. નીચા વ્યાજ દરો તથા જંગી લિક્વિડિટી આ સુધારા માટે ટેકારૂપ બની શકે છે. કોવિડે કોર્પોરેટસને કોસ્ટ મેનેજમેન્ટ માટે મજબૂર કર્યા હતા જેને પરિણામે ખર્ચમાં સતત બચત જોવા મળી રહી છે અને જો વિકાસ થશે તો નફામાં પણ વૃદ્ધિ જોવા મળશે. માટે હવે પછીના વર્ષોમાં એ) વિકાસ બી) ઓપરેટિંગ લિવરેજ તથા સી) ફાઈનાન્સિઅલ લિવરેજ એકસાથે કામ કરતા જોવા મળશે.