વલસાડનાં મધુબન ડેમના ૯ દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
વલસાડ: વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં છેલ્લા ૫ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. પાણીની આવકને કારણે મધુબન ડેમના ૯ દરવાજા ૫ મીટર સુધી ખોલાયા હતા. ૨૧ જુલાઇથી ૨૨ જુલાઈની સવારના ૫ વાગ્યા સુધી ડેમમાંથી દર કલાકે ૧ લાખથી વધુ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ધોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દમણમાં ૨૧ જુલાઇની રાતે ભયનો માહોલ છવાયો હતો.
ડેમમાં પાણીની આવક થતા ડેમના ૯ દરવાજા ખોલીને ૧.૪૩ લાખ ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે દમણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ અને તંત્ર સતર્ક થઇ ગયા હતા અને તેમના દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જાેકે, સવારે છ વાગ્યાની આસપાસ ડેમની સપાટીમાં થોડો ઘટાડો થયો હતો. ડેમની સપાટી ૭૨.૯૦ની આસપાસ પહોંચી છે. ડેમમાં ૪૩૨૪૭ ક્યૂસેક પાણીની આવક છે જ્યારે ૧.૩૪ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ડેમમાં પાણીનો ધસમસતો પ્રવાહ વધવાને કારણે તંત્રએ ગામડા અને નીચાણવાળા વિસ્તારોને સાવધાન કર્યા હતા. સ્થળાંતરણ કરવાની સ્થિતિ ઉભી થાય તો લોકોને રાખવા માટે પ્રાથમિક શાળામાં શેલ્ટર હોમ પણ બનાવવામાં આવ્યા છે. વલસાડમાં એક એનડીઆરએફ અને દમણ સેલવાસમાં ડિઝાસ્ટરની ટીમ તેનાત કરવામાં આવી હતી.
રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૨૦૪.૯૪ મીમી એટલે કે સરેરાશ ૨૪.૬૪ ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આવતીકાલથી સતત ત્રણ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે