વલસાડના ઉમરગામમાં પતિએ પત્નીને જીવતી સળગાવી પછી પોલીસ સ્ટેશન હાજર થઇ ગયો
વલસાડ, લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હોવાના કિસ્સાઓ સામે આવે છે. લગ્ન જીવનમાં આ એક સામાન્ય બાબત છે એટલે પતિ-પત્ની વચ્ચે નાની-નાની બાબતોને લઈને થતી તકરારનું સમાધાન પણ ટૂંક સમયમાં થઇ જતું હોય છે પરંતુ કેટલાક ઝઘડાઓ એટલી હદે વધી જતા હોય છે કે તેનું પરિણામ કરુણ આવતું હોય છે.
ક્યારેક આવા ઝઘડાના કિસ્સામાં પતિના હાથે પત્ની અથવા તો પત્નીના હાથે પતિની હત્યા થઇ હોવાના કિસ્સા પણ સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લાના ઉમરગામમાં સામે આવ્યો છે. જ્યાં ઘર કંકાસના કારણે પતિએ તેની પત્નીને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ આ ઘટના બાદ પતિએ પોલીસને માહિતી આપી હતી તેની પત્નીને જીવતી સળગાવી છે અને ત્યારબાદ પોતે પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયો હતો.
રિપોર્ટ અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ કામિની રાજપૂત તેના પતિ જીગ્નેશ રાજપૂતની સાથે રહેતી હતી. ૧૨ વર્ષ પહેલા કામિનીએ જીગ્નેશની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ જીગ્નેશને દારૂની લત લાગી ગઇ હતી અને તે કામ ધંધો કરતો નહોતો અને દારૂના નશામાં જ ઘરે પડ્યો રહેતો હતો.
આ ઉપરાંત દારૂના નશામાં તે કામિની સાથે અવાર નવાર ઝઘડાઓ પણ કરતો હતો. જીગ્નેશને શંકા હતી કે, તેની પત્ની કામિનીનું અન્ય સાથે અફેર ચાલી રહ્યું છે અને આ બાબતે તે અવાર નવાર પત્નીને માર પણ માર્યો હતો.
કામિની ઉમરગામની કન્યા શાળા સામે નોકરીએ જવા માટે રિક્ષાની રાહ જાેઈ રહી હતી. પત્નીને રસ્તા પર ઉભી જાેઈને પતિ જીગ્નેશ તેની પાસે આવ્યો હતો. તે પત્નીને વાત કરવી છે તેવું કહીને રસ્તાની સાઈડમાં લઈ ગયો હતો. તે સમયે જીગ્નશે અચાનક જ તેના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની બેગ કાઢી અને તેમાં રહેલું પ્રવાહી પત્ની પર નાખી દીધુ હતું.
ત્યારબાદ એકાએક જ લાઇટર વડે પત્નીને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાને લઇને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને કામિનીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સ્થાનિક હોસ્પિટલમાં કામિનીની પ્રાથમિક સારવાર થયા બાદ તેને વધારે સારવાર માટે દમણની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ કામિનીનો પતિને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયો હતો. આ ઘટનાને લઇને ઉમરગામ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.SSS