વલસાડના ધરમપુરમાં ફરી દિપડો દેખાયો
વલસાડ, વલસાડ જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં ફરી એક વખત દીપડાની દહેશત વર્તાઇ રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી અને આસપાસના ગામમાં ફરી એક વખત દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. ગઈકાલે મોડી રાત્રે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામના જાહેર રસ્તા પર એક ખૂંખાર દીપડો આંટાફેરા મારી રહ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
મોડી રાત્રે ગામના રસ્તા પરથી પસાર થઇ રહેલા એક કારચાલકે ગામના રસ્તા પર આંટાફેરા મારી રહેલા દીપડાને જાેયો હતો. આથી આ કાર ચાલકે ગામના રસ્તા પર આંટાફેરા મારી રહેલા દીપડાને મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામ અને આસપાસના વિસ્તારમાં એક દીપડો દેખાય રહ્યો છે. અને ગામના છેવાડાના વિસ્તારોમાંથી શ્વાન અને મરઘા જેવા નાના પશુ પક્ષીનો શિકાર કરી રહ્યો છે.
જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આથી લોકો દિવસે પણ ખેતર કે વાડી સુધી જતા ડરે છે. ત્યારે હવે ગામના છેવાડાના વિસ્તારોમાં દીપડાની હાજરી મોબાઇલ કેમેરામાં કેદ છતાં લોકોમાં ભયનો માહોલ છે. અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છે.
તો આ બાબતે લોકો દ્વારા વનવિભાગને જાણ કરી અને વનવિભાગ દ્વારા ગામના છેવાડાના વિસ્તારમાં આંટાફેરા મારી રહેલા આ દીપડાને પકડવા પાંજરૂ ગોઠવવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ પણ વલસાડ જિલ્લામાં અનેક વખત રહેણાક વિસ્તાર નજીક દિપડો દેખાવવાના અનેક બનાવો બની ચૂક્યા છે.
દસ દિવસ અગાઉ પણ વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર હાઇવે ક્રોસ કરતી વખતે એક અજાણ્યા વાહનની અડફેટે એક દીપડાનું મોત થયું હતું. તો પારડી તાલુકાના ખડકી ગામ નજીક એક જ દિવસમાં બે દીપડા પાંજરે પુરાયા હતા. આમ છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના છેવાડાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક વિસ્તાર સુધી હિંસક પ્રાણી દીપડાના આંટાફેરાની ઘટનાઓ વધી રહી છે. દીપડાઓ ગામના છેવાડાના વિસ્તારના ઘરોમાંથી મરઘા અને નાના પશુ પક્ષીનો શિકાર કરી રહ્યા છે.