વલસાડમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બેના મોત
વલસાડ, વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાઇવે પર પૂરઝડપે દોડતી કાર ડિવાઇડર સાથે અથડાઈ અને ત્યારબાદ સામેથી આવતા ટ્રક સાથે અથડાતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં સુરતના વોરા સમાજના બે યુવકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. બનાવની વિગત મુજબ, સુરતના ત્રણ યુવકો વાપી તરફથી કારમાં સુરત તરફ જઈ રહ્યા હતા. કાર વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પહોંચતા અચાનક જ કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી.
ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર ફંગોળાઈ અને સામેથી આવતા એક ટ્રક સાથે જાેરદાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જાેરદાર હતી કે, કાર કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી. અકસ્માતમાં કારમાં સવાર હકીમુદ્દીન ખામેજા લોખંડવાલા અને અબ્બાસ નવસારીવાલા નામના બે યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.
જ્યારે હાતિમ નુરુદ્દીન ઉજ્જૈનવાલા નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ. વધુ સારવારની જરૂર જણાતા સુરત ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
જાેકે, અકસ્માતને કારણે કારમાં એક યુવકનો મૃતદેહ ફસાઈ ગયો હતો. આ મૃતદેહને બહાર કાઢવા માટે પોલીસ અને સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે એક કલાકથી વધુની જહેમત બાદ કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
આમ આ કાર અકસ્માતમાં વોરા સમાજનાં એક સાથે બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. અકસ્માતને કારણે થોડા સમય સુધી હાઇવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી. જાેકે, ત્યાર બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે હાઇવે પરનો વાહન વ્યવહાર યથાવત્ કરાવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.SSS