વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાયા

વલસાડ, રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં ખૂબ જ સારો વરસાદ પડયો હતો. ક્યાંક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા તો કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ ત્યારબાદ સવા મહિના જેટલો સમય વરસાદ ખેંચાયો હતો. વાવણીનો વરસાદ થયા બાદ વરસાદ ખેંચાતા રાજયના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.
પરંતુ હવે ફરી એક વખત મેઘરાજાએ મહેર વરસાવી છે અને ગુજરાતમાં ગુરુવારે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ થઇ છે ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ડાંગરના પાકને નવું જીવનદાન વરસાદના કારણે મળ્યું છે.
વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. બુધવારે રાત્રે ૧૨ વાગ્યાથી ગુરુવારે સવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં સૌથી વધારે વિસ્તાર પારડી, વાપી, વલસાડ અને ધરમપુરમાં પડ્યો હતો. પારડીમાં ૬.૫ ઇંચ, વાપીમાં ૬.૫ ઇંચ, વલસાડમાં ૬ ઇંચ, ધરમપુરમાં ૪ ઇંચ, કપરાડામાં ૨.૫ ઇંચ અને ઉમરગામમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો.
સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરતના બારડોલી અને કામરેજમાં ૧ ઇંચ, મહુવામાં ૧.૫ ઇંચ, માંડવીમાં ૧.૪ ઇંચ, પલસાણામાં ૨ ઇંચ, માંગરોળમાં ૧.૭ ઇંચ અને ઉમરપાડામાં ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના ૪ તાલુકામાં પણ ૨.૫થી ૩.૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો તાપીના વાલોડમાં ૩ ઇંચ, ડોલવણમાં ૪ ઇંચ, ભરૂચના અંકલેશ્વરમાં ૨ ઇંચ, ભરૂચમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.સવા મહિના બાદ મેઘરાજાએ મહેર વરસાવતા ખેડૂતો અને લોકોમાં ખુશી જાેવા મળી છે વરસાદના કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.
વલસાડ શહેર અને ખેરગામ રોડ પર આવેલા છે રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ગરનાળામાંથી વાહનોની અવર-જવર બંધ થઈ ગઈ હોવાના કારણે વાહનચાલકોને ફરી ફરીને પાંચ કિલોમીટર જેટલું અંતર વધારે કાપવું પડયું હતું. વલસાડ શહેરના અબ્રામાની મણીબાગ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા
અને ત્યારબાદ લોકોએ આ બાબતે પાલિકાને રજૂઆત કરતાં નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. મધુબન ડેમમાં ૬,૯૨૮ ક્યુસેક પાણીની આવક થઇ છે. જેથી ડેમના ૨ દરવાજા ૧ મીટર સુધી ખુલ્લા રાખીને ૧૦,૩૧૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.