Western Times News

Gujarati News

વલસાડમાં લીલી હળદરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી

પ્રતિકાત્મક

વલસાડ, થર્ટી ફર્સ્‌ટ નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘૂસાડવાના અને ઝડપવાના બનાવો વધી રહ્યા છે. બુટલેગરો રાજ્યમાં અવનવી તરકીબો અજમાવીને વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આ સમયે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા ગામ નજીકથી વલસાડ એલસીબી પોલીસે દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પાને ઝડપી પાડ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ ટેમ્પામાં લીલી હળદર ભરેલી હતી. જાેકે, વધારે તપાસ કરતા લીલી હળદરની આડમાં નીચેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરીને બાકીના આરોપીઓને ઝડપવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી ૩૧મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે યોજાતી પાર્ટીઓમાં વિદેશી દારૂનું સેવન કરવાનું દૂષણ વધી રહ્યું છે. આ કારણે જ ૩૧મી ડિસેમ્બર નજીક આવતા જ રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી વધી જાય છે. રાજ્યમાં દર વર્ષે લાખો રૂપિયાનો વિદેશી દારૂની હેરાફેરી થાય છે.

પોલીસ પણ દર વર્ષે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડે છે. રાજ્યમાં દારૂ ઘૂસાડવા અને પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવી તરકીબ અજમાવતા હોય છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ પારડી તાલુકાના ગોઇમા ગામ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. આ વખતે ત્યાંથી પૂર ઝડપે પસાર થતાં એક ટેમ્પાનો પોલીસે પીછો કર્યો હતો. પોલીસે રોકાવા માટે ઇશારો કર્યા બાદ ચાલકે ટેમ્પાને પૂર ઝડપે દોડાવ્યો હતો. જેથી પોલીસની ટીમ ટેમ્પાનો પીછી કર્યો હતો. આ દરમિયાન ચાલક અને ક્લિનર ટેમ્પાને મૂકીને અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા.

પારડી પોલીસે અંધારામાં પણ પીછો કરી ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી, જ્યારે ક્લિનર ભાગવામાં સફળ રહ્યો હતો. ટેમ્પો ચાલક જીગ્નેશ પટેલની ધરપકડ કરી પોલીસે ટેમ્પાની તપાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ ટેમ્પાની અંદર લીલી હળદરનો જથ્થો ભરેલો હતો. પોલીસે લીલી હળદરના જથ્થાને હટાવીને તપાસ કરતાં લીલી હળદરની આડમાં નીચે મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. પોલીસને લીલી હળદર નીચેથી ૯૮ હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ચાલકની આગવી ઢબે પૂછપરછ કરતા ટેમ્પોમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી સુરત તરફ લઈ જવાઈ રહ્યો હતો.

સેલવાસથી ગુજરાતમાં પ્રવેશતા જ ટેમ્પોનું પાયલોટિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. જાેકે, પાયલોટિંગ કરનાર આરોપી પણ ફરાર થઈ ગયો હતો. પોલીસે આ કેસમાં ક્લિનર વિનલ પટેલ અને પાયલોટિંગ કરનાર રીન્કુ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.