વલસાડ ખાતેથી દવાના બોક્સમાંથી દારૂ ઝડપાયો

વલસાડ, કોરોના મહામારીના કહેર વચ્ચે પણ બુટલેગરો માહોલનો ગેરલાભ લઇ રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડી નજીકથી પોલીસે દવાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પોને ઝડપી પાડયો હતો અને અંદાજે રૂપિયા ૧૭.૮૧ લાખની કિંમતના મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક મહિનાથી દેશભરમાં કોરોના મહામારીનો કેર વર્તાઈ રહ્યો છે અને દારૂની છૂટ ધરાવતા પડોસી સંઘપ્રદેશ દમણની સરહદો પણ મહિનાઓ સુધી સીલ કરી દેવામાં આવી હતી આથી થોડે અંશે વિદેશી દારૂની હેરાફેરી પર રોક લાગી હતી પરંતુ હવે અનલૉકમાં રાજ્યના પડોશી સંઘપ્રદેશ દમણની બોર્ડર પણ ખોલી દેવામાં આવતા બુટલેગરોને જાણે મોકળું મેદાન મળ્યું છે. અને વિદેશી દારૂની હેરાફેરી ના કિસ્સાઓ વધી રહયા છે.
વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી ટીમ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચ માં હતી એ દરમિયાન જ હાઇવે પરથી પુરઝડપે પસાર થતા એક ટેમ્પોને રોક્યો હતો,અને ત્યારબાદ તપાસ કરી હતી.પોલીસે ટેમ્પો ચાલકને ટેમ્પોમાં શું ભર્યું છે તેની પૂછપરછ કરતાં ટેમ્પો ચાલકે ટેમ્પોમાં ભરેલ દવા ના બોક્સના બિલ પણ રજૂ કર્યા હતા.
આમ પ્રથમ દ્રષ્ટિએ ટેમ્પોમાં દવાના બોક્સ ભરેલા હતા અને ટેમ્પો ચાલકે તેના બિલ પણ રજૂ કર્યા હતા.પરંતુ પોલીસને પાકી બાતમી મળી હોવાથી આ દવાના બોક્સ ખોલી અને તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણકે ટેમ્પોમાં ભરેલા દવા ના બોક્સ અને મેડિકલના સામાનની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો હતો. આથી પોલીસે ટેમ્પોનો કબજો લઇ ટેમ્પોચાલક દિલીપ નામના વ્યક્તિની ધરપકડ કરી પારડી પોલીસ સ્ટેશન લઇ જઇને તપાસ હાથ ધરી હતી. SSS