વલસાડ ખાતે રન ફોર યુનિટી યોજાઇ
વન અને આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકરે લીલી ઝંડી ફરકાવી રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવ્યું
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી- રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અવસરે વન અને આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકર તેમજ મહાનુભાવો દ્વારા મોંઘાભાઇ હોલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા અને આર.પી.એફ ગ્રાઉન્ડ ખાતે રન ફોર યુનિટીને લીલીઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવી હતી.
આ એકતા દોડ વલસાડના આર.પી.એફ ગ્રાઉન્ડ ખાતેથી નીકળી સર્કિટ હાઉસ ખાતે પૂર્ણાહુતિ થઇ હતી. આ એકતા દોડમાં વિવિધ શાળાઓ, કોલેજ, પોલીસના જવાનો, રેલ્વે પોલીસ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ટ્રેઇની પ્રોફેશનલ દોડવીરો તેમજ નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને સન્માન આપ્યું હતું.
આ અવસરે વન અને આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, આજનો દિવસ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરવાનો દિવસ છે. તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો અવસર છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપનને સાકાર કરવા સૌના સહયોગની હાકલ કરી હતી.આ અવસરે એકતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ અવસરે નાયબ પોલીસ અધિક્ષક, વલસાડ નગરપાલિકા પ્રમુખશ્રી પંકજ આહિર, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, અધિકારીગણ સહિત શાળાના આચાર્યો, શિક્ષકો, નગરજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.