વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૫ અને વાપીમાં ૪ ઇંચથી વધુ વરસાદ
વલસાડ, રાજ્યમાં જન્માષ્ટમીના દિવસથી મેઘરાજાની ફરી પધરામણથી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યમાં ફરી વરસાદ થતાં ખેડૂતોના પાકને નવુ જીવન મળ્યું છે. વાત વલસાડ જિલ્લાની કરવામાં આવે તો મોડી રાતથી અહીં મેઘમહેર જાેવા મળી છે. વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય ગયા છે. વલસાડના વાપી અને ઉમરગામમાં જાેરદાર વરસાદ થયો છે.
વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં મોડી રાતથી મેઘરાજાની પધરામણી થઈ છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો લોકોને ગરમીથી પણ રાહત મળી છે. બીજીતરફ વરસાદ થવાને કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી જાેવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા ૪ કલાકથી સારો વરસાદ પડી રહ્યો છે. ઉમરગામમાં ૫.૧૨ ઇંચ વરસાદ થયો છે. તો વાપીમાં ૪.૨૪ ઇંચ, કપરાડામાં ૧.૮૪ ઇંચ અને પારડીમાં ૧.૧૬ ઇંચ વરસાદ થયો છે. ઉમરગામમાં સર્વત્ર પાણી-પાણી જાેવા મળી રહ્યું છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૩૧ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. ૧ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થશે. રાજ્યમાં જન્માષ્ટમીના દિવસે એટલે કે સોમવારે, અમદાવાદા, રાજકોટ, વડોદરા, સુરત સહિત અનેક જગ્યાએ સારો વરસાદ થયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ફરી ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
રાજ્યમાં ૩૧મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ૩ થી ૧૦ સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.HS